ગુજરાતમાં ધીરે ધીરે કાબુમાં આવી રહ્યો છે કોરોના રાક્ષસ

અત્યાર સુધીમાં કુલ ૪૦૮૩૬૮ લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતાઃ ગુજરાતમાં કોરોનાના નવા ૧૪૩૨૭ કેસ
ગાંધીનગર, રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ હજારથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. તો બીજી તરફ મોતનો આંકડો પણ તમામ રેકોર્ડ તોડી રહ્યો છે. જાે કે હવે કોરોના તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. આંકડો ૧૪ હજારની આસપાસ સ્થિર થઇ રહ્યો છે.
સતત રસીકરણને કારણે અને સરકારનાં પ્રયાસોનાં કારણે કોરોનાનો આંકડો સ્થિર થઇ રહ્યો છે. કેટલાક નિષ્ણાંતોનો દાવો છેકે સરકાર ટેસ્ટિંગ ઘટાડીને આંકડા કાબુમાં હોવાનાં દાવા કરી રહી છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪,૩૨૭ નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર ૯,૫૪૪ લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે.
અત્યાર સુધીમાં કુલ ૪,૦૮,૩૬૮ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જાે કે, રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને ૭૩.૮૨ ટકાએ પહોંચ્યો હતો. અત્યાર સુધીમાં ૯૬,૩૩,૪૧૫ વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને ૨૨,૮૯,૪૨૬ વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ ૧,૧૯,૨૨,૮૪૧ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા.
આજે ૬૦ વર્ષથી વધારે વયના તેમજ ૪૫-૬૦ વર્ષનાં કુલ ૬૨,૦૨૬ વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને ૬૨,૦૨૬૧ વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જાેવા મળી નથી.
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ ૧,૩૭,૭૯૪ એક્ટિવ દર્દી છે, જે પૈકી ૫૭૨ લોકો વેન્ટિલેટર પર છે અને ૧,૩૭,૨૨૨ લોકો સ્ટેબલ છે. ૪,૦૮,૩૬૮ લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. ૭,૦૧૦ લોકોનાં મોત નિપજ્યાં છે.