ગુજરાતમાં ધો.૧૦-૧રના ૧૭.૫૩ લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે
અમદાવાદ: ગુજરાતમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષા પાંચમી માર્ચથી શરૂ થઇ રહી છે. આને લઇને તમામ તૈયારીઓ બોર્ડ દ્વારા કરી લેવામાં આવી છે. ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષામાં કુલ ૧૭.૫૩ લાખ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેનાર છે. વિદ્યાર્થીઓ હળવાશથી અને નિશ્ચિતરીતે પરીક્ષા આપે તેવી અપીલ શિક્ષણ મંત્રી દ્વારા કરી લેવામાં આવી છે. રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે તમામ પરીક્ષાર્થીઓને શુભકામના પાઠવી હતી.
ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના ૧.૪૩ લાખ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની સંખ્યા ૫.૨૭ લાખ નોંધાઈ છે. આવી જરીતે ધોરણ ૧૦માં વિદ્યાર્થીઓની સંખ્યા ૧૦.૮૩ લાખ નોંધાઈ છે. કુલ ૧૩૭ ઝોનમાં ૧૫૮૭ કેન્દ્રોમાં સામેલ ૫૫૫૭ બિલ્ડિંગમાં પરીક્ષા રાખવામાં આવી છે. ૬૦૦૨૭ વર્ગખંડમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષા લેવામાં આવનાર છે.
૫૯૭૩૩ વર્ગખંડમાં સીસીટીવીની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે ૨૯૪ વર્ગખંડોમાં ટેબ્લેટની વ્યવસ્થા કરવામાં આવી છે. શિક્ષણમંત્રીએ કહ્યું છે કે, માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી ચુકી છે. વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓ હળવાશનો અનુભવ કરીને નિશ્ચિતરીતે પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે જ્યાં પરીક્ષા લેવામાં આવનાર છે તેવી ઇમારતો કે વર્ગખંડમાં સીસીટીવીની વ્યવસ્થા કરવામાં આવી છે.
ઇલેક્ટ્રોનિક સર્વેલન્સની વ્યવસ્થા પણ ૧૦૦ ટકા થઇ ચુકી છે. પરીક્ષા સંદર્ભે જરૂરિયાત મુજબ યોગ્ય સ્ટાફની પણ પસંદગી કરવામાં આવી ચુકી છે. જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નોનું સતત માર્ગદર્શન મળી રહે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પરીક્ષાઓમાં કોઇપણ પ્રકારની કોઇરીતે ગેરરીતિ ન થાય તે માટે પણ તકેદારી રાખવામાં આવી છે.
મોબાઇલ અને અન્ય વિજાણુ યંત્રોના ગેરકાયદે ઉપયોગ કરતા ઉમેદવારો સામે તરત કઠોર કાર્યવાહી કરવામાં આવશે. ડમી ઉમેદવાર સામે પણ કાર્યવાહી કરાશે. જિલ્લાશિક્ષાણાધિકારી તથા ઝોનલ અધિકારીઓ, મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રોના સંચાલકો, સીસીટીવી કર્મચારીઓ, વિજિલન્સ સ્કવોર્ડ વગેરેને પરીક્ષા સંબંધિત જરૂરી માર્ગદર્શન આપવમાં આવ્યું છે. જિલ્લામાં આવેલી ઝોનલ કચેરીમાં સ્ટ્રોંગરુમમાં પુરતા પોલીસ પ્રોટક્શન અને પરીક્ષા કેન્દ્રો ખાતે પોલીસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગેરરીતિવિહિન પરીક્ષા યોજાય તે માટે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના અગત્યના પ્રશ્નપત્ર દરમિયાન પરીક્ષા બિલ્ડિંગમાં વર્ગ એક અને વર્ગ બેના અધિકારી પૂર્ણ સમય ઉપસ્થિત રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
અતિસંવેદનશીલ કેન્દ્રો ઉપર એસઆરપી અને સીઆરપીએફનો સ્ટાફ ગોઠવવામાં આવ્યો છે. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આને લઇને ગાંધીનગર ખાતે વિડિયો કોન્ફરન્સિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિડિયો કોન્ફરન્સ દરમિયાન જિલ્લાના કલેક્ટર સહિત જિલ્લા સ્ટાફ અને અન્ય અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
પરીક્ષાર્થીઓ પરીક્ષા ખંડમાં સમયસર અને સરળરીતે પહોંચી શકે તે માટે એસટી બસની પણ પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષાઓમાં જેલના કેદીઓ માટે પણ વ્યવસ્થા કરાઈ છે. ધોરણ ૧૦માં ૧૨૫ અને ધોરણ ૧૨માં ૫૦ વિદ્યાર્થીઓ મળીને કુલ ૧૭૫ પરીક્ષાર્થી પરીક્ષા આપનાર છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા ગ્રાઉન્ડ ફ્લોર પર કરવામાં આવી છે. ધોરણ ૧૦ના દ્રષ્ટિહિન પરીક્ષાર્થીઓ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.