ગુજરાતમાં ગુજરાતી માધ્યમ કરતાં અંગ્રેજી માધ્યમની શાળા શરુ કરવા અરજીઓ વધુ મળી
ગુજરાતમાં નવી શાળાઓ શરૂ કરવા માટે મોટાભાગની અંગ્રેજી માધ્યમ માટે અરજીઓ મળી
નવી શાળાઓ શરૂ કરવા બોર્ડને ૪ર૬ અરજી મળી, નવી શાળાઓ શરૂ કરવા માધ્યમિક માટે ર૪૧ અને ઉચ્ચત્તર માધ્યમિક માટે ૧૮પ અરજી મળી
(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં નવી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ શરૂ કરવા માટેની અરજીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. શિક્ષણ બોર્ડને નવી ખાનગી શાળાઓ શરૂ કરવા માટે ચાલુ વર્ષે ૪ર૬ અરજીઓ મળી છે.
ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષની અરજીઓની સંખ્યામાં ૬૯નો વધારો થયો છે. શિક્ષણ બોર્ડને ગત વર્ષે નવી શાળા શરૂ કરવા માટે ૩પ૭ જેટલી અરજીઓ મળી હતી. આ વખતે શિક્ષણ બોર્ડને નવી શાળાઓ શરૂ કરવા માટે ર૪૧ અરજીઓ મળી હતી જ્યારે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા માટે ૧૮પ અરજીઓ મળી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે રાજ્યમાં નવી ખાનગી શાળાઓ શરૂ કરવા માટે સંસથાઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવતી હોય છે. શિક્ષણ બોર્ડ સમક્ષ અરજીઓ આવ્યા બાદ કારોબારી સમિતિમાં તેની ચકાસણી બાદ મંજૂર અથવા નામંજૂરનો નિર્ણય લેવામાં આવતો હોય છે.
દર વર્ષે રાજ્યમાં મોટી સંખ્યામાં નવી શાળાઓ શરૂ કરવા માટે અરજીઓ મળતી હોય છે. ચાલુ વર્ષે પણ રાજ્યમાં નવી શાળાઓ શરૂ કરવા માટે શિક્ષણ બોર્ડને ૪ર૬ જેટલી અરજીઓ મળી છે જે પૈકી મોટાભાગની એટલે કે, લગભગ ૬૦ ટકા જેટલી અરજીઓ અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવા માટે મળી છે. રાજ્યમાં ચાલુ વર્ષે નવી શાળાઓ શરૂ કરવા માટે જે અરજીઓ મળી છે તેમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે.
ચાલુ વર્ષે માધ્યમિકની ર૪૧ અને ઉચ્ચતર માધ્યમિકની ૧૮પ મળી કુલ ૪ર૬ સ્કૂલો શરૂ કરવા માટે અરજી મળી છે જે ગત વર્ષની સરખામણીમાં વધુ છે. ગત વર્ષે બોર્ડને નવી શાળા શરૂ કરવા માટે ૩પ૭ જેટલી અરજીઓ મળી હતી.
આમ ૬૯ જેટલી અરજીઓમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા ચાર વર્ષની અરજીઓની સરખામણી કરીએ તો પણ છેલ્લા ચાર વર્ષમાં આ વખતે વધુ અરજીઓ આવી છે. આ પહેલાં ર૦ર૦માં શિક્ષણ બોર્ડને નવી શાળાઓ શરૂ કરવા માટે પ૯ર અરજીઓ મળી હતી.