ગુજરાતમાં નાના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું ઉત્પાદન શરૂ કરાશે

Files Photo
અમદાવાદ: દેશમાં પહેલીવાર ગુજરાતમાં નાના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. રાજ્યના સિવિલ એવિએશન વિભાગે ખાનગી કંપની એરો ફ્રેયર ઇંક સાથે એમઓયુ કર્યા છે, જેને પગલે કંપનીએ અમરેલી એર સ્ટ્રિપ પાસે મેન્યુફેક્ચરિંગ યુનિટની શરૂ કરવાની કાગમીરી શરૂ કરી દીધી છે અને ઓક્ટોબર સુધીમાં પ્લાન્ટની કામગીરી પૂૂર્ણ થાય એવી શક્યતા છે. ત્યાર બાદ કંપની દ્વારા પ્રોડક્શન શરૂ કરવામાં આવશે અને વર્ષ ૨૦૨૧ના અંત સુધીમાં પ્રથમ એરક્રાફ્ટ માર્કેટમાં મૂકવામાં આવશે. એની સાથે કંપની દ્વારા પ્રથમ તબક્કામાં ૧૫૦ કરોડ રૂપિયા અને ત્યાર બાદ ૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
અમરેલીમાં એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરવા માટે રાજ્ય સરકારના સિવિલ એવિએશન વિભાગે કંપની સાથે એમઓયુ કર્યા છે. આ કંપનીના સીઈઓ અભિમન્યુ દેથાએ ઉપરોક્ત માહિતી આપતાં વધુમાં જણાવ્યું હતું કે ૨ સીટર, ૪ સીટર, એર એમ્બ્યુલન્સ, હેલિકોપ્ટર અને ફિક્સ વિંગ ગ્લાઈડરનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. આ તમામ એરક્રાફ્ટના ઉત્પાદન માટે કંપની દ્વારા સર્બિયા, ઈટાલી, જર્મની, સ્લોવેનિયા અને અમેરિકન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
આ સિવાય કંપની દ્વારા વિદેશની અન્ય ૩ કંપનીના કોન્ટ્રેક્ટ આધાર પર લાઈટ એરક્રાફ્ટ અને ફિક્સ વિંગ ગ્લાઈડરનું પણ ઉત્પાદન કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે હાલ કંપની દ્વારા તૈયાર થનારાં તમામ એરક્રાફ્ટનું ટેસ્ટિંગ અમરેલી એર સ્ટ્રિપ પર કરવામાં આવશે.કંપની દ્વારા અમરેલી ખાતે શરૂ કરવામાં આવી રહેલા પ્રોડક્શન યુનિટને કારણે એન્જિનિયરોની સાથે અન્ય એક્સપર્ટને તેમજ અન્ય ટેક્નિશિયનો સહિત ૨૦૦થી વધુ લોકોને ડાયરેક્ટ રોજગાર ઉપલબ્ધ થશે, જ્યારે એક હજારથી વધુ લોકોને ઈનડાયરેક્ટ રોજગાર ઉપલબ્ધ થશે.