Western Times News

Gujarati News

ગુજરાતમાં પહેલીવાર કોરોનાના મૃતકો માટે અલગ સ્મશાનગૃહ બનાવાયું

ભરૂચ, સમગ્ર રાજ્યમાં પહેલીવાર એવું છે કે કોરોનાના દર્દીઓ માટે અલાયદા સ્મશાન ગૃહ ઉભુ કરવાની જરૂર પડી છે. ભરૂચ જિલ્લામાં પ્રથમ કોવિડ સ્મશાન ઉભું કરાયું છે. જિલ્લાના કોરોના દર્દીના અંતિમ વિધિ માટે સર્જાયેલા વિવાદને પગલે અલગ કોવિડ સ્મશાન ગૃહ ઉભું કરવાની જરૂર પડી છે. વહીવટી તંત્ર દ્વારા ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા કિનારે પતરાના શેડ ઉભા કરીને સાથે કોવિદ દર્દીના મૃતદેહના નિકાલની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લામાં કોરોનાના દર્દીની અંતિમ વિધિ માટે વારંવાર વિવાદ ઉભા થતા હતા. તેથી આખરે સ્થાનિક તંત્રએ સરકારી જમીન પર સ્પેશિયલ કોવિડ દર્દીની અંતિમવિધિ માટે અલાયદું સ્મશાન ગૃહ ઉભું કરવાની ફરજ પડી છે. ગોલ્ડન બ્રિજ અંકલેશ્વર ખાતે નર્મદા નદીના બ્રિજની બાજુમાં પાકા પ્લેટફોર્મ સાથે પતરાનો શેડ ઉભો કરાયો છે. જ્યાં કોવિડ દર્દીની અંતિમ વિધિ થઇ શકશે. તેમજ નર્મદા નદીના નીચે કિનારે પણ અંતિમ ક્રિયા કરી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

તાજેતરમાં અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ગઈકાલે બપોરે એક નિવૃત્ત પોલીસ કર્મચારીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. વૃદ્‌ધના મોત બાદ તેઓના અંતિમ સંસ્કાર માટે તેઓને ભરૂચ ખાતેના દશાશ્વમેઘ ઘાટ પાસે લઈ જવાયા હતા. પરંતુ સ્થાનિકોએ કોરોનાગ્રસ્ત દર્દીના અંતિમ સંસ્કાર અહીં કરવાની મનાઈ ફરમાવી હતી. સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સમજાવવા છતા પણ તેઓ અહી અંતિમ સંસ્કાર કરવા માન્યા ન હતા. જોકે, સ્થિતિ વધુ વણસે નહિ તે માટે મૃતદેહને અંકલેશ્વરના રામકુંડ સ્મશાન ગૃહમાં લઈ જવાયો હતો. પરંતુ ત્યાં પણ સ્થાનિક લોકોએ અંતિમક્રિયાનો વિરોધ દર્શાવ્યો હતો. કોરોનાથી મૃત્યુ પામેલ દર્દીને અહી અંતિમ સંસ્કાર નહિ કરવા દેવાય તેવો લોકોનો મત હતો.

બે શહેરોમાં વિરોધ બાદ આખરે મૃતદેહને કોવિડ-૧૯ હોસ્પિટલમાં પરત મોકલી દેવાયો હતો. આજે બીજા દિવસે પણ લોકો ન માનતા તંત્ર અવઢવમાં મૂકાયું હતું. જોકે, બાદમાં નર્મદા નદી કાંઠે અંતિમક્રિયા કરવાનો નિર્ણય કર્યો હતો. જેના બાદ આજે બીજા અન્ય એક કોરોનાના દર્દીના મૃતદેહ સાથે લઈને પોલીસ નદી કાંઠે પહોંચી હતી. પરંતુ આજે જ્યારે મૃતકની દફનવિધિ માટે નર્મદા નદી કિનારે ખોદકામ માટે તંત્ર દ્વારા જે.સી.બી.મંગાવવામાં આવ્યું, તો સ્થાનિકો લોકોએ તેનો પણ વિરોધ નોંધાવ્યો. જેસીબી સામે ઊભા રહીને લોકોએ વિરોધ કર્યો. આખરે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરીને અંતિમ સંસ્કાર કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.