ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન : કૃષિમંત્રી શ્રી આર.સી.ફળદુ

પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટેનો શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનો સંકલ્પ સર્વાનુમતે મંજૂર
દેશી ગાયના સંવર્ધન માટે બજેટમાં ગાય દીઠ વાર્ષિક રૂ. ૧૦,૮૦૦ની જોગવાઈ ગૌશાળાના સંચાલકોને પ્રોત્સાહન
રાજ્ય વિધાનસભાના વર્તમાન ૬ઠ્ઠા સત્ર દરમિયાન કૃષિમંત્રી શ્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે દેશના સર્વાંગી વિકાસમાં ખેતીનો મહત્વપૂર્ણ ફાળો છે ત્યારે રાસાયણિક ખાતરોથી જમીનની સાત્વિકતા ખતમ ન થાય તે માટે પ્રાકૃતિક ખેતીને આ સરકાર મહત્વ આપી રહી છે.
ગૃહના સભ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રાકૃતિક ખેતીને અપનાવવા અંતર્ગત બિન-સરકારી સંકલ્પ રજૂ કર્યો હતો, જેને ગૃહે સર્વાનુમતે સ્વીકારી તેના વ્યાપક અમલ માટે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.
શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સંકલ્પ રજૂ કર્યો હતો કે રાસાયણિક ખેતીથી જમીન તથા પાકની ગુણવત્તાને અસર થાય છે, ત્યારે જમીન અને પર્યાવરણને નુકસાન ન થાય અને પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબર ગૌમૂત્ર થકી ડોક્ટર સુભાષ પાલેકરની ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતી અપનાવવી જરૂરી છે.
કૃષિમંત્રીશ્રીએ સંકલ્પ અંગે જણાવ્યું કે રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રૂપતા ઘટી રહી હોવાથી અને ખેત ઉત્પાદન સ્વાસ્થ્ય ઉપર અસર કરનારુ હોઈ, પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે અને શ્રેષ્ઠ સમય છે ત્યારે ગુજરાત સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, નામદાર રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી માટે ગુજરાતભરમાં આહલેક જગાવી છે. ગુજરાતના ડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે પ્રાકૃતિક ખેતીના પ્રણેતા ડોક્ટર સુભાષ પાલેકરે ગુજરાતના ૧૦ હજાર ખેડૂતોને માર્ગદર્શન આપ્યું છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતીને મહત્વ આપી આ વર્ષે બજેટમાં દેશી ગાયના સંવર્ધન માટે મહિને રૂપિયા ૯૦૦ તેમજ જીવામૃત અપનાવવા દસ હજાર ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા છે એટલું જ નહીં ગૌશાળા સંચાલકોને પણ પ્રોત્સાહિત કર્યા છે.