ગુજરાતમાં ફરી એકવાર કોરોના દર્દીનો મૃતદેહ રઝળ્યો
વડોદરા: ગુજરાતમાં વકરી રહેલા કોરોનાને પગલે અનેક શહેરોમા કોરોનાના દર્દીઓના અંતિમસંસ્કાર કરવાના વિવાદો ઊભા થઈ રહ્યાં છે. લોકો પોતાના વિસ્તારમાં આવેલા સ્મશાન ગૃહોમાં કોરોનાના દર્દીના અંતિમ સંસ્કાર કરવાનો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે વડોદરામાં પણ કોરોના દર્દીનો મૃતદેહ અંતિમ સંસ્કાર માટે વાસણા સ્મશાન ખાતે લવાતા સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જેના કારણે મૃતદેહ કલાકો સુધી રઝળતો રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પાલિકા દ્વારા વાસણા સ્મશાનમાં કોરોના દર્દીઓના અંતિમ સંસ્કાર કરવાની જાહેરાત સાથે જ શરૂઆતથી જ સ્થાનિકો પોતાનો વિરોધ વિરોધ નોંધાવી રહ્યાં છે. ત્યારે મંગળવારે કોરોના દર્દીનો મૃતદેહ વાસણા સ્મશાન ખાતે લાવતાની સાથે જ આસપાસના રહીશો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. પોલીસ તેમજ મેડિકલ સ્ટાફનો ઘેરાવો કરી મૃતદેહ લઈ આવેલી એમ્બ્યુલન્સને સ્મશાન બહાર જ રોકી દેવાઈ હતી.
લોકોએ પોતાનો રોષ વ્યકત કર્યો હતો. જેના કારણે મૃતક દર્દીની લાશ કલાકો સુધી રઝળી પડી હતી. સ્થાનિકોના ભારે વિરોધ બાદ મૃતદેહને અન્ય સ્મશાન ખાતે ખસેડવાની ફરજ પડી હતી. વધુમાં સ્થાનિકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, વાસણા સ્મશાન ખાતે આવેલી ગેસ ચિતામાં લિકેજ હોવાના કારણે ધુમાડો લોકોના ઘરમાં આવે છે. જેના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાસણા વિસ્તારના રહીશો અગાઉ પાલિકામાં ગેસ ચિતાના સમારકામ અંગે રજુઆત કરી ચૂક્યા છે. પરંતુ પાલિકા દ્વારા દરકાર ન લેવાતા આખરે સ્થાનિકોએ વાસણા સ્મશાન ખાતે કોરોના દર્દીના અંતિમસંસ્કાર નહીં કરવા દેવાની જીદ પકડી છે.