ગુજરાતમાં માર્ગ અકસ્માતથી મૃત્યુ દરમાં ૭ ટકાનો ઘટાડો
રોડ સેફ્ટીને લઇને હજુ પણ લોકોને જાગૃત થવાની જરૂર
અમદાવાદ, રોડ સેફ્ટી અને માર્ગ અકસ્માત નિવારણ માટે અને ખાસ કરીને નિર્દોષ નાગરિકો અને તેમાંય મહિલાઓ, બાળકોની જીંદગી બચાવવાના ઉમદા આશયથી હવે લોકોએ રોડ સેફ્ટીને એક સ્વૈચ્છિક જવાબદારી તરીકે સ્વીકારી લેવાની તાતી જરૂર છે. દરેક વિસ્તાર, મહોલ્લા કે ગલીમાં સ્વૈચ્છિક રીતે યુવાનો અને જાગૃત નાગરિકોએ સ્વયંસેવક તરીકે આગળ આવવું જાઇએ અને આ ઝુંબેશમાં જાડાઇ જવું જાઇએ.
ગુજરાત સરકાર, રાજયના વાહનવ્યવહાર વિભાગના અસરકારક પ્રયાસોના કારણે ગુજરાતમાં થોડી ઘણી જાગૃતિ આ વિષયમાં વધી છે અને તેના કારણે જ ગુજરાતમાં છેલ્લા છ મહિનામાં માર્ગ અકસ્માતથી નીપજતાં મોતના દરમાં સાત ટકાનો નોંધનીય ઘટાડો નોંધાયો છે.
પરંતુ સમાજમાં નાગરિકોએ ખાસ કરીને વાહનચાલકોએ રોડ સેફ્ટીને લઇ હજુ પણ જાગૃત થવાની ખૂબ જ જરૂર છે એમ અત્રે રોડ સેફ્ટી માટે જીવન સમર્પિત કરી દેનાર અને રોડ સેફ્ટી એવોર્ડથી સન્માનિત અમિત ખત્રીએ જણાવ્યું હતું. પીઆરએસઆઇ, અમદાવાદ ચેપ્ટર, ટી-મેન અને પોઝિટીવ જિંદગી સંસ્થાઓ દ્વારા સંયુક્તપણે આયોજિત કાર્યક્રમમાં માર્ગ સલામતી અને ટ્રાફિક સભાનતાનાં ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પ્રદાન કરનારા અમિત ખત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અમિત ખત્રીએ રોડ સેફ્ટીને લઇ બહુ ઉપયોગી અને મહત્વની જાણકારી અને માર્ગદર્શન પૂરા પાડયા હતા. અમિત ખત્રી દ્વારા હવે રાજયની ધોરણ-૮,૯ અને ૧૧ની શાળાઓમાં ત્રિપલ સીના કન્સેપ્ટ પર વિદ્યાર્થીઓને રોડ સેફ્ટીની તાલીમ અને માર્ગદર્શન આપવાનો પ્રોજેકટ હાથ ધરાઇ રહ્યો છે. આજના કાર્યક્રમમાં સેન્ટ ઝેવિયર્સ મિરઝાપુરનાં પ્રિન્સીપાલ ફાધર ટાઈટસ ડી કોસ્ટાનાં હસ્તે શ્રી અમિત ખત્રીને સર્ટિફિકેટ ઓફ એક્સલન્સ પણ પ્રદાન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય માર્ગ પરિવાહન વિભાગ દ્વારા તાજેતરમાં માર્ગ સલામતીનાં ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પ્રદાન કરનારી વ્યક્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને શાળાઓને બિરદાવીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. માર્ગ સલામતીનાં ક્ષેત્રમાં છેલ્લા ૨૨ વર્ષીય કાર્યરત શ્રી અમિત ખત્રીનું પણ ગુજરાત સરકારનાં માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. માર્ગ સલામતી અંગે જાગૃતિ આણવામાં શ્રી અમિત ખત્રીએ ગરબા, જિંગલ્સ, કવિતા, થિયેટર અને વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમોનાં માધ્યમ દ્વારા મહત્વની ભૂમિકા ભજવી છે.
શ્રી અમિત ખત્રીએ ડ્રાયવરો અને મહિલા ડ્રાયવરોને સંરક્ષણાત્મક ડ્રાઇવીંગની પણ તાલીમ આપી છે. આજે યોજાયેલા કાર્યક્રમમાં પીઆરએસઆઈ અમદાવાદ ચેપ્ટરનાં શ્રી ઉન્મેશ દિક્ષિત અને શ્રી સુભોજિત સેન, ટી-મેનનાં શ્રી પરેશ દવે અને પોઝિટીવ જિંદગીનાં શ્રી કૌશલ શાહ ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે શ્રી સુભોજીત સેને જણાવ્યું કે અમદાવાદ ઝડપથી વિકસતું કોસ્મોપોલિટીન શહેર બની રહ્યું છે અને સરકાર દ્વારા નવા પ્રોજેક્ટો અમલી બની રહ્યા છે
ત્યારે ગીચ ટ્રાફિકની સમસ્યા અસરકારક રીતે ઉકેલાય તે જરૂરી છે. અમદાવાદ શહેરનાં નાગરિકો ટ્રાફિકનાં નિયમોનું પાલન કરે તે ખાસ જરૂરી છે. માર્ગ સલામતીનાં ક્ષેત્રમાં શ્રી અમિત ખત્રી જેવા નિષ્ણાત આપણને માર્ગદર્શન આપવા ઉપલબ્ધ છે તે આપણું સદભાગ્ય છે.