ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી: દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ
અમદાવાદમાં ૧૦-૧૧ જૂને ગાજવીજ સાથે વરસાદની આગાહી
(એજન્સી)અમદાવાદ, હાલ અમદાવાદ સહિત રાજ્યભરના લોકો આકરી ગરમી સાથે ભયાનક બફારાનો પણ અનુભવ લઈ રહ્યા છે. તમામ લોકોના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે હવે રાજ્યમાં મેઘમહેર કયારે થશે ? મેઘરાજાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા લોકોને ઠંડક પહોંચે તેવી આગાહી સ્થાનિક હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૧૦ અને ૧૧ જૂનના રોજ અમદાવાદમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.
અમદાવાદના વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે અને આગામી ત્રણ દિવસ સુધી સતત શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થઈ છે અને આજે ડાંગ અને વલસાડમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે સ્થાનિકોમાં ખુશી ફેલાઈ હતી. દ.ગુજરાતના કેટલાક ભાગોમાં પડેલા વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
હવામાન વિભાગના બુલેટિન અનુસાર ગુજરાતમાં હવે સાઈકલોનિક સરક્યુલેશન સક્રિય થઈ ગયું છે. જેના કારણે રાજ્યના અનેક વિસ્તારમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. આ સાથે કેટલાક ભાગોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળશે એટલે કે ભારે ગાજવીજ અને તોફાની પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
અમદાવાદની વાત કરીએ તો આજે શહેરમાં ૩૦ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. સ્થાનિક હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૧૧થી ૧૩ જૂન દરમિયાન પણ અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા-નગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. તા.૯ જૂન રવિવારે આ તમામ વિસ્તારો ઉપરાંત નર્મદા, અમરેલી, ભાવનગર અને ગીર-સોમનાથમાં વરસાદ પડી શકે છે.