ગુજરાતમાં મેડિકલ કારણ સિવાય પોલીસ કર્મચારીઓની રજા નામંજૂર કરવાનો આદેશ
ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે. રાજ્યમાં દરરોજ કોરોનાના પોઝિટિવ કેસોમાં ઉમેરો થતો જાય છે, જેને લઈને વહીવટીતંત્ર પણ ચિંતિત છે. જ્યારે હાલ અનલાક દરમિયાન પોલીસની જવાબદારી પણ વધી ગઈ છે, ત્યારે રાજ્યના ગૃહવિભાગ દ્વારા પોલીસ કર્મચારીઓને રજા ના માંગવા માટે આદેશ જારી કરવામાં આવ્યો છે. ગૃહવિભાગ દ્વારા જારી કરવામાં આવેલા જાહેરનામાં પ્રમાણે, પોલીસ અધિકારીઓની સાથે તમામ પોલીસ કર્મચારી ઓએ મેડિકલ કારણો સિવાય રજા ના માંગવા માટે જણાવાયું છે.
ગૃહ વિભાગે રાજ્યના અને તમામ જિલ્લા પોલીસ અધિક્ષકો સહિતના તમામ વરિષ્ઠ અધિકારીઓને તબીબી કારણોસર અથવા અન્ય કોઈ કટોકટીની પરિસ્થિતિ સિવાય તેમના ગૌણ કર્મચારીઓને કોઈ રજા મંજૂર ના કરવાનો આદેશ આપ્યો છે.
જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારની ગાઈડ લાઈનનું પાલન કરીને ગુજરાત સરકારે પણ ૩૦ જૂન સુધી અનલાક-૧ની જાહેરાત કરી છે. જેમાં કેટલીક વધારે છૂટછાટો આપવામાં આવી છે. જા કે આ દરમિયાન કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૨૯ હજારને પાર પહોંચી ચૂકી છે.