Western Times News

Gujarati News

ગુજરાતમાં વરસાદને કારણે ૬ના મોત

Files Photo

અમદાવાદ: ગુજરાતનાં ૧૨૦ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ કાલાવડમાં નોંધાયો છે. કાલાવડમાં માત્ર બે કલાકમાં ૩ ઈંચ વરસાદ નોંધાયો છે. તેવામાં વરસાદ હજુ બરાબર જામે તે પહેલાં જ મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ ગુજરાતમાં જોવા મળ્યું છે. આજે વીજળી પડવાને કારણે બોટાદમાં ૩ વ્યક્તિ, જામનગરમાં માતા-પુત્ર અને ગાંધીનગરમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રક્કા ખટીયા ગામે વીજળી પડતાં માતા-પુત્રનાં મોત નિપજ્યા છે.

વાડી વિસ્તારમાં વીજળી ત્રાટકતાં નીતાબેન જયેશભાઇ સીતાપરા (ઉં.વ. ૩૫) અને તેના પુત્ર વિશાલ જયેશભાઇ સીતાપરા (ઉ.વ.૧૨)નું મોત નીપજ્યું હતું. બોટાદના નવી સરવઈ ગામે વાડીમાં કામ કરતી ૧૭ વર્ષીય યુવતી ગૂડીબેન જીવરાજભાઈ ભાટવાંસિયા પર વીજળી પડતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. તો બોટાદમાં રહેતા ઘનશ્યામભાઈ નાનજીભાઈ ચૌહાણ (ઉં.વ.૬૦) અને જાનવી વિજયભાઈ ચૌહાણ (ઉં.વ.૫) બન્ને ભાવનગર રોડ ઉપર આવેલી વાડીએ ખેતરમાં હતા ત્યારે વીજળી પડતાં બંનેનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા.

ગાંધીનગરના દહેગામના ગમીજ ગામે વીજળી પડતાં ખેતરમાં કામ કરતી મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે જસદણના ડોડિયાળા ગામમાં વીજળી પડતા એક વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે ગોંડલ હોસ્પિટલ ખસેડાયા છે. રાજ્યમાં અત્યાર સુધી ૧૨૦ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના વેરાવળમા બે ઇંચ, જામનગરનાં ધ્રોલ, અરવલ્લીના મોડાસા, જૂનાગઢના મેંદરડામાં પણ બે ઇંચ વરસાદ વરસ્યો હતો. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને અમદાવાદમાં ૪૦ કિમીની ઝડપે પવન સાથે તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે.

કચ્છ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર બોટાદ, મોરબી, દેવભૂમિ દ્વારકા જામનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.સૌરાષ્ટ્રમાં થોડા દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ એન્ટ્રી કરી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ સહિત અનેક વિસ્તારોના વાતાવરણમાં પલ્ટો આવતા ગોંડલમાં ધોધમાર ૪ ઈંચ, માણાવદરમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ, ભેંસાણ, તાલાલા, જેતપુર, જામકંડોરણા, ધારી, કેશોદમાં અર્ધાથી પોણો ઈંચ વરસાદ પડયો હતો.

હવામાન વિભાગની આગામી ૩ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ૩ કલાકમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, બનાસકાંઠા, દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. પોરબંદર, રાજકોટ, દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદની આગાહી કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.