ગુજરાતમાં વરસાદ ખેંચાતા સરકારે ખેડૂતોના ફાયદાની જાહેરાત કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/07/farmar5-1024x639.jpg)
ગાંધીનગર: ગુજરાતમાં વરસાદ પાછો ખેંચાયો છે. હાલ એક અઠવાડિયા સુધી વરસાદના કોઈ એંધાણ નથી. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ખેડૂતોના હિત માટે વધુ એક સંવેદનાપૂર્ણ ર્નિણય લેવાયો છે.
રાજ્યમાં વરસાદ ખેંચાવાની સ્થિતીમાં ખેડૂતોને સિંચાઇ-પાણી માટે સમસ્યા ન રહે તે હેતુસર બુધવાર તા.૭મી જુલાઇથી ખેડૂતોને વધુ ૨ કલાક વીજળી અપાશે. હાલ રાજ્યમાં ખેડૂતોને ૮ કલાક વીજળી આપવામાં આવે છે. તેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બે કલાકનો વધારો કરવાનો ર્નિણય કર્યો છે. આમ હવે રાજ્યના ખેડૂતોને બુધવાર તા. ૭ મી જુલાઇથી ૮ ને બદલે ૧૦ કલાક વીજળી મળશે.
ઉલ્લેખનીય છે, ખેડૂતોએ ચોમાસાનું વાવેતર શરૂ કરાયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૪૯.૩૯ ટકા કૃષિ વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યમાં તેલિબીયા પાકનું વાવેતર ૬૨.૫૨ ટકા થયું છે. કઠોળ પાકોનું વાવેતર ૩૬.૩૯ ટકા વાવેતર કરાયું છે. અન્ય ધાન્ય પાકોનું વાવેતર ૧૭.૪૧ ટકા થયું.
ગુજરાતમાં હાલ વરસાદ છે. ૧૦ જુલાઇથી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાશે. હાલ ૪ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ નથી. હવામાન ખાતાના અપડેટ અનુસાર, દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ આવી શકે છે. બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાઈ રહ્યું છે. ગુજરાત ઉપર પણ સર્ક્યુલેશનની અસરથી વરસાદી માહોલ સર્જાશે. હાલ ઉકળાટ અને બફારાથી કોઈ રાહત નહિ મળે તેવું મેટ ડિપાર્ટમેન્ટના ઈન્ચાર્જ ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું.