ગુજરાતમાં વાવાઝોડાને લઇ તંત્ર એલર્ટ
અમદાવાદ : દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે પણ વરસાદી માહોલ રહ્યો હતો. બીજી બાજુ સાયક્લોનિક તોફાનનું સંકટ પણ તોળાઈ રહ્યું છે. છેલ્લા છ કલાક દરમિયાન ૦.૪ કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી ઉત્તર-ઉત્તરપૂર્વની દિશામાં અરેબિયન દરિયા પર આ વાવાઝોડુ સ્થિત થયું છે. મહારાષ્ટ્રના રત્નાગીરીના પશ્ચિમે, મુંબઈથી ૩૪૦ કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ અને ઓમાનથી ૧૮૮૦ કિલોમીટર પર્વ-દક્ષિણ પૂર્વે આ વાવાઝોડુ કેન્દ્રિત થયું છે. જે આગામી પાંચ દિવસ દરમિયાન ઓમાન દરિયાને પાર કરી શકે છે. તીવ્ર વાવાઝોડું વધુ તીવ્ર બનીને આગળ વધવાના સંકેત છે જેના હેઠળ હળવો વરસાદ પડી શકે છે.
ભારે વરસાદની કોઇ ચેતવણી તંત્ર તરફથી જારી કરાઈ નથી. હાલમાં અમદાવાદ સહિત રાજ્યમાં મિશ્ર સિઝન જાવા મળી રહી છે જે પૈકી રાત્રે ઠંડીનો અનુભવ થવા લાગી ગયો છે. દિવાળીમાં કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.
અરબી સમુદ્રમાં બનેલા સાયક્લોનના કારણે લો-પ્રેશર સીસ્ટમ સર્જાતા દક્ષિણ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. જેની સૌથી વધુ અસર વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં જોવા મળશે. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીને પગલે ફરી એકવાર ખેડૂતોમાં પાકની નુકસાની અને હાલાકીને લઇ ભારે ચિંતા પ્રસરી છે.
હવામાન વિભાગની આગાહીના પગલે દરિયા કિનારાના વિસ્તારો અને ખાસ કરીને દ્વારકા, પોરબંદરમાં માછીમારોને ચાર દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ ડિપ્રેશન આગામી ૧૨ કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી વકી છે. દક્ષિણ-પશ્ચિમ મુંબઈથી ૪૯૨ કિમી દૂર સમુદ્રમાં ડિપ ડિપ્રેશન સક્રિય થયું છે. પહેલા તા.૨૯ ઓક્ટોબર સુધી સાયક્લોન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરતું કચ્છમાં પ્રવેશવાનું હતું અને ત્યારબાદ પાકિસ્તાન તરફ જવાનું હતું.
જા કે, હવે આ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ રહ્યું છે. જેથી તેની અસરના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં છુટા છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. ગુજરાતમાં ક્યાર વાવાઝોડાને લઇને તંત્ર સંપૂર્ણપણે સાબદુ થઇ ગયું છે. ચક્રવાતના પરિણામ સ્વરુપે માછીમારોને લઇને દરિયામાં નહીં જવા માટે કહેવામાં આવ્યું છે. ગુજરાતના તમામ બંદર પર એક નંબરનું સિગ્નલ મુકી દેવામાં આવ્યું છે.
ચક્રવાતના પરિણામ સ્વરુપે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માછીમારોને ચેતવણી અપાઈ છે. કેટલીક જગ્યાએ ધૂળ ભરેલી આંધી અને કેટલીક જગ્યાએ આંધી ચાલી શકે છે.