Western Times News

Gujarati News

ગુજરાતમાં શાળા ખોલવાનો નિર્ણય યોગ્ય ?

Files Photo

દેશના ભાવિની ચિંતા કરી યોગ્ય કાર્યવાહી બાદ શાળાઓ ખોલવા માટે શિક્ષણવિદ્‌ોએ રજુ કરેલા અભિપ્રાય

દેશભરમાં કોરોના વાયરસ કાબુમાં આવ્યો હતો પરંતુ દિવાળીના તહેવારોમાં નાગરિકોએ ગાઈડલાઈનનો ભંગ કરી કોઈપણ જાતની દરકાર કર્યાં વગર ખુલ્લેઆમ રસ્તા પર તથા બજારોમાં નીકળતા જ ફરી એક વખત કોરોના વકર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં કોરોના ફેલાયો ત્યારથી જ તેની રસી બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહયા હતા અને તેમાં તેમને સફળતા પણ મળી છે. ભારત દેશની વસ્તી પ્રમાણે વેકસિનના ડોઝ બનાવવાનો ગંભીર પડકાર કંપનીઓ અને સરકાર પર છે.

નાગરિકોને રસી આપવા માટે દેશભરમાં ખુબ જ વ્યવસ્થિત માળખુ રચવામાં આવ્યુ છે. વિશ્વભરના દેશોમાં ભારતની રસીકરણની તૈયારીઓની ભારોભાર પ્રશંસા થઈ રહી છે. ઉત્તરાયણની આસપાસ ગુજરાતમાં રસીકરણની ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે નાગરિકો કોરોનાની રસીની રાહ જાેઈ રહયા હતા અને આખરે આતુરતાનો અંત આવ્યો છે.

જાેકે સરકારે કોરોનાની રસી કેટેગરી પ્રમાણે નાગરિકોને આપવાની છે જાેકે તેમાં વિદ્યાર્થીઓ પ્રાયોરિટીમાં નથી. ગુજરાતમાં કોરોના કાબુમાં આવી રહયો છે. જાેકે તેમાં સરકારી ગાઈડલાઈનનો અમલ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. દિવાળી પછી કોરોના વકર્યો હતો અને ધીમે ધીમે ફરી એક વખત કોરોના કાબુમાં આવી રહયો છે

ત્યારે રાજય સરકારના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજયમાં ધો.૧૦ અને ૧ર ની શાળાઓને પુનઃ શરૂ કરવાનો નિર્ણય જાહેર કરતાં જ વાલીઓ અને શિક્ષણવિદ્‌ોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. વાલીઓ વિદ્યાર્થીઓને સ્કુલે મોકલતા ડરી રહયા છે.

શિક્ષણમંત્રીએ વિદ્યાર્થીઓને વાલીઓની સંમતિ લાવવી અનિવાર્ય હોવાનું જણાવવામાં આવ્યું છે જેની સામે વિરોધ શરૂ થઈ ગયો છે. વાલીઓ પોતાના વ્હાલસોયા સંતાનોને કોરોનાના કપરા કાળમાં શાળાએ મોકલવા તૈયાર નથી ત્યારે હવે રાજય સરકાર આ નિર્ણયમાં ફેરબદલ કરે છે કે નહીં તેના પર સૌ કોઈની મીંટ મંડાયેલી છે.

રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ તા.૬ જાન્યુઆરીના રોજ જાહેરાત કરી હતી કે તા.૧૧મી જાન્યુઆરીથી ધો.૧૦ અને ૧ર ના વર્ગો શરૂ કરવામાં આવશે. કેબીનેટની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયની જાહેરાત બાદ શિક્ષણ ક્ષેત્રે ફરી એક વખત ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે. ચાલુ વર્ષે રાજયમાં શિક્ષણ વિભાગ સૌથી વધુ ચર્ચાસ્પદ રહયુ છે.

શિક્ષણમંત્રીએ ફી નિર્ધારિત કરવા સહિતના નિર્ણયોને લઈ વાલીઓમાં ભારે રોષ જાેવા મળતો હતો અને આ અંગે કોર્ટમાં પણ નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો પણ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.

રાજયની તમામ શાળાઓને આ નિર્ણય લાગુ પડશે. શાળાઓ શરૂ કરવાના નિર્ણયની સાથે કેન્દ્ર સરકારે જાહેર કરેલી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને આ અંગેની સુચનાઓ દરેક સંસ્થાઓને મોકલી આપવામાં આવી છે. શાળાઓમાં કોરોનાને રોકવા માટે થર્મલ ગન સહિતની વ્યવસ્થા કરવાની રહેશે અને આ માટે આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ સાથે સંકલનમાં રહીને આયોજન કરવાનું રહેશે. જાેકે શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજીયાત કરાઈ નથી.
ધો.૧૦ અને ૧ર વિદ્યાર્થીઓનું ભાવિ ઘડે છે તેથી આ બંને વર્ગમાં ભણતા વિદ્યાર્થીઓ ઉપર બોર્ડની પરીક્ષાનું ભારણ હોય છે.

કોરોનાના કપરા કાળમાં વિદ્યાર્થીઓ ઓનલાઈન ભણે છે અને હવે જયારે શાળાઓ ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે સ્વાભાવિક છે કે પોતાનુ ભાવિ બગડે નહી તે માટે વિદ્યાર્થીઓ જાેખમ ખેડીને પણ શાળાએ જવાની જીદ કરશે. પરંતુ વાલીઓ આ નિર્ણયથી ખુબ ચિંતિત બની ગયા છે.

વિદ્યાર્થીઓ સ્વાભાવિક રીતે શાળામાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવામાં અસમર્થ રહેવાના છે અન્ય રાજયોમાં શાળાઓ ખોલવામાં આવતા જ સંખ્યાબંધ વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોના સંક્રમિત થયા હતા કર્ણાટકમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોનાગ્રસ્ત થઈ ગયા હતા જેના પરિણામે ફરી વખત શાળાઓ બંધ કરી દેવાની ફરજ પડી હતી.

ત્યારે ગુજરાતમાં હવે કોરોના કાબુમાં આવ્યો છે ત્યારે શાળા-કોલેજાે શરૂ કરવાનો નિર્ણય કેટલા અંશે યોગ્ય ગણાશે તે સમય જ બતાવશે. મહત્વપૂર્ણ બાબત એ છે કે શાળાએ જવા માટે વિદ્યાર્થીઓએ વાલીની સંમતિ લેવી જરૂરી છે આ નિર્ણય સામે ભારે રોષ જાેવા મળી રહયો છે.

ધો.૧૦ અને ૧રમાં તથા કોલેજના અંતિમ વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓએ પોતાના વાલીઓનો સંમતિ પત્ર લાવવાનો છે અને આ માટેનું ફોર્મ શાળામાં જમા કરાવવાનું રહેશે.

વર્તમાન પરિસ્થિતિ જાેતા ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ખુબ જ ખરાબ હતી અને કપરો કાળ નાગરિકોએ જાેયેલો છે તેથી મોટાભાગના વાલી પોતાના વ્હાલસોયા સંતાનને સંમતિ પત્ર નહીં આપે તેવું શિક્ષણ શાસ્ત્રીઓ માની રહયા છે.

શિક્ષણ મંત્રીએ શાળા-કોલેજાે શરૂ કરવાની જાહેરાતની સાથે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે માસ પ્રમોશન આપવામાં આવશે નહીં. શાળાઓમાં જેટલું શૈક્ષણિક કાર્ય થયું હતું તેટલા જ કાર્યવાહીની પરીક્ષા લેવામાં આવશે તેનો મતલબ કે વિદ્યાર્થીઓને સ્કુલે તો જવું જ પડશે

કારણ કે કોઈપણ સ્કુલ ઓનલાઈન ભણતર અને શાળાના વર્ગમાં ભણતરની વ્યવસ્થા કરી શકે તેમ નથી તે બાબત સ્પષ્ટ છે એટલું જ નહીં પરંતુ વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓને બેસાડવા તે અંગેની ગાઈડલાઈનમાં માત્ર એટલું જ જણાવવામાં આવ્યું છે કે બે વિદ્યાર્થીઓ વચ્ચે ૬ ફુટનું અંતર રાખવું પડશે.

વિદ્યાર્થીઓ માટે બેસવાની આ વ્યવસ્થા શાળા કરી શકશે કે નહી તે અંગે પણ વાલીઓમાં શંકા ઉઠી છે. વિદ્યાર્થીઓ ભીડ ન કરે તે પણ જણાવવામાં આવ્યું છે પરંતુ આ ગાઈડલાઈન જળવાશે કે નહી તે અંગે પણ શંકા સેવવામાં આવી રહી છે.

એક કલાસમાં ર૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓ બેસી શકશે નહી ત્યારે એક સાથે દરેક કલાસમાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે શાળાઓ તેેટલા શિક્ષકોની વ્યવસ્થા કરી શકશે કે નહીં તેવો સવાલ વાલીઓમાં ચર્ચાઈ રહયો છે. વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ચેકિંગ તથા માસ્કનો ફરજીયાત ઉપયોગ કરવાનો છે આ ઉપરાંત અન્ય વ્યવસ્થા કરવા પણ જણાવવામાં આવ્યું છે.

advt-rmd-pan

પરંતુ આ તમામ ગાઈડલાઈનનો શાળાઓમાં અમલ થઈ રહયો છે કે નહીં તે જાેવાની જવાબદારી કોની રહેશે. વિદ્યાર્થીઓને હજુ રસી કયારે મળશે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. સૌ પ્રથમ કોરોના વોરિયર્સ અને ત્યારબાદ ઉંમર લાયક વ્યક્તિઓને રસી આપવામાં આવનાર છે

ત્યારે વિદ્યાર્થીઓને રસી મળતાં હજુ પણ ઘણો સમય લાગવાનો છે ત્યારે વિદ્યાર્થીઓને રસી વગર જ શાળાએ મોકલવા માટે વાલીઓ સહમત જણાતા નથી. રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ સહિતના શહેરોમાંથી વાલીઓએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે જેના પગલે શિક્ષણ વિભાગ પણ સતર્ક બન્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.