Western Times News

Gujarati News

ગુજરાતમાં શિશુનો મૃત્યુદર ઘટી ગયો છે : નીતિન પટેલ

અમદાવાદ: રાજસ્થાનના કોટામાં એક જ માસમાં ૧૦૦ બાળકોનાં મોત નીપજ્યાં બાદ દેશભરમાં ચગેલા રાજકારણ બાદ હવે ગુજરાતમાં પણ રાજસ્થાનવાળી જોવા મળી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલની સ્થિતિ તેના કરતા પણ ખરાબ છે. અહીં ૧૧૧ બાળકોનાં મોત થયા હોવાની વાત સામે આવી છે. તો બીજી તરફ એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ડિસેમ્બર મહિનામાં ૮૫ નવજાતના મોત નીપજયા હોવાનું સામે આવ્યું છે, તેને લઇ ગુજરાતમાં પણ હવે નવજાત શિશુ મૃત્યુદરને લઇ રાજકારણ ગંભીર રીતે ગરમાયું હતું. સમગ્ર રાજયમાં ભારે ચકચાર મચી જતાં રાજય સરકારના નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરવી પડી હતી અને રાજયમાં નવજાત શિશુ મૃત્યુદર ઘટયો હોવાનો સરકાર તરફથી તેમણે દાવો કર્યો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિધાનસભા વિસ્તાર રાજકોટમાં છેલ્લા એક વર્ષમાં કુલ ૧૨૩૫ બાળકોના મોત નીપજયા હોવાનુ નોંધાયું છે. આ ઉપરાંત અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૩ મહિનામાં જ ૨૫૩ બાળકો મોતને ભેટ્યા છે. અમદાવાદ અને રાજકોટની સિવિલ હોસ્પિટલના ચોંકાવનારા નવજાત શિશુ મૃત્યુના આંકડા સામે આવતાં ગુજરાતના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો હતો તો, સ્થાનિક પ્રજાજનોમાં પણ ભારે અરેરાટીની લાગણી પ્રસરવાની સાથે સાથે સરકાર અને સિવિલ હોસ્પિટલમાં  તંત્ર અને સત્તાધીશોની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠયા ત્યારે રાજય સરકાર તરફથી આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સમક્ષ આવી સમગ્ર મામલે સ્પષ્ટતા કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નવજાત બાળકોના મોત મામલે યોગ્ય તપાસ કરાશે. સરકાર દ્વારા સમગ્ર રિપોર્ટ વિવિધ સરકારી હોસ્પિટલથી મંગાવવામાં આવ્યો છે. બાળકોના મોત મામલે રાજ્ય સરકાર ગંભીર છે.

બાળ મૃત્યુદર એક ચિંતાનો વિષય છે. નવજાત બાળકોના મોત મામલે હોસ્પિટલોના સુપરિટેન્ડન્ટ સાથ ચર્ચા ચાલી રહી છે. બાળકોના કુલ મૃત્યુઆંકમાં ખાનગી હોસ્પિટલના આંકડા પણ જોડ્‌યા છે. જા કે, પહેલા કરતા ગુજરાતમાં બાળ મૃત્યુદરનું પ્રમાણ ઘટ્યું છે. તેમણે ઉમેર્યું કે, દેશમાં સૌથી વધુ બાળ મૃત્યુદર (પ્રતિ એક હજારે ૪૭) મધ્યપ્રદેશમાં છે. જ્યારે સૌથી ઓછો ઓછો બાળ મૃત્યુદર કેરળમાં છે. ગુજરાતમાં બાળ મૃત્યુદર પ્રતિ એક હજારે ૩૦ છે. આ પહેલા ૧૯૯૭માં કોંગ્રેસના શાસન વખતે બાળ મૃત્યુદર ૬૨ ટકા હતો જે ૨૦૧૭માં ઘટીને ૩૦ ટકા થયો હતો.

સરકારી સગવડોને કારણે ગુજરાતમાં બાળ મૃત્યુદર ઘટ્યો છે. ગુજરાતમાં દર વર્ષે ૧૨ લાખ બાળકોનો જન્મ થાય છે જેમાંથી ૯૯ ટકા બાળકોની પ્રસુતિ હોસ્પિટલોમાં થાય છે. નવજાત બાળકોના મોત મામલે નીતિન પટેલે જણાવ્યું હતું કે, બાળકોના જન્મ બાદ ૨૧-૨૮ દિવસનો સમય અગત્યનો સમયગાળો હોય છે. શારીરિક બીમારી સાથે જન્મેલા બાળકોમાં મૃત્યુનું પ્રમાણ વધુ છે. જેથી રાજ્ય સરકાર ખાનગી ર્નસિંગ હોમની મદદ લઈ રહી છે. પ્રાથમિક રીતે ગુજરાતમાં ૧ હજાર બાળકે ૩૦ બાળકોના મોત થાય છે અને ૧ લાખે ૮૭ મહિલા મૃત્યુદર છે. રાજયમાં, દર વર્ષે ૧૨ લાખ બાળકના સરેરાશ જન્મ થાય છે જેમાંથી ૧ હાજર બાળકે ૩૦ બાળકોના મોત થયા છે અને મોત પાછળ કુપોષણ પણ એક મોટો મુદ્દો છે. જા કે, સરકાર બાળકોના મૃત્યુ દર હજુ પણ ઘટાડવા સતત પ્રયાસ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.