Western Times News

Gujarati News

ગુજરાતમાં સરકારી નોકરીની લાલચ આપી 81 લોકો સાથે 3.25 કરોડની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપાઈ

અમદાવાદ, સરકારી નોકરી અપાવવાની લાલચ આપીને લોકોને ઠગનાર ગેંગને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ગુજરાતના 81 જેટલા લોકોને આ ગેંગ દ્વારા નોકરીની લાલચ આપીને ઠગનાર એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

આરોપીઓ પાસેથી 3 લાખ રોકડા, PSIની ભરતીના ખોટા ફોર્મ, ડોક્યુમેન્ટ, PSIનો યુનિફોર્મ, નકલી આઇકાર્ડ સહિતનો મુદ્દામાલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ કબજે કર્યો હતો. હાલમાં આરોપી પૂરવિંદરસિંગ અને શાહરુખ નામના વ્યક્તિની ધરપકડ કરવાની તજવીજ ચાલી રહી છે.

પોલીસે જણાવ્યું હતું કે, મહિલા આરોપી પૂજા ઠાકોર પોતે PSIની ફિઝિકલ ભરતીમાં નાપાસ થઈ હોવા છતાં તેણે પાસ હોવાનો ખોટો સિક્કો માર્યો હતો. સરકારી નોકરી અપાવવાના બહાને આ ગેંગ દ્વારા રૂ. 3.25 કરોડની અત્યાર સુધીમાં છેતરપિંડી કરી હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. PSI, LRD, આર્મી, તલાટી અને જુનિયર ક્લાર્ક સહિતની વિવિધ પરીક્ષાઓ માટે તેઓએ અલગ-અલગ રકમો પડાવી હતી.

ક્રાઈમ બ્રાન્ચના JCP પ્રેમવીર સિંહે જણાવ્યું હતું કે દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર અને તેમની ટીમને માહિતી મળી હતી કે વિવિધ સરકારી ભરતીઓ માં લોકોને નોકરી અપાવવાના બહાને કેટલાક લોકો છેતરપિંડી કરે છે. જેના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના PI સી આર જાદવ અને એન.આર બ્રહ્મભટ્ટ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

બાતમીના આધારે રવિપ્રતાપસિંગ રાવતની દહેગામ ખાતેથી ધરપકડ કરી હતી. આરોપી રવિપ્રતાપસિંગ પાસેથી લેપટોપ, બેગ અને મોબાઈલ ફોન મળ્યા હતા. જેમાંથી PSI, LRD, આર્મી, જુનિયર કલાર્ક અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતીના ફોર્મ તેમજ ફીની રિસીપ્ટ મળી આવી હતી.

આરોપીઓમાં શાહરૂખ નામના એક આરોપીએ PSI અને LRD ના ઉમેદવાર પાસેથી 25 લાખ રૂપિયા લીધા હતા. ફિઝિકલ પરીક્ષામાં ઉમેદવાર નાપાસ થયો હોવા છતાં પણ PST PASS અને PET PASSના સિક્કા મારી દીધા હતાં.

11 જેટલા ઉમેદવારોના ફોર્મ તેઓએ મુદત વીતી ગયા બાદ ભર્યા હતા. ધરપકડ કરાયેલી આરોપી પૂજા ઠાકોર પાસેથી મોબાઇલ મળી આવ્યો હતો.જેમાં PSIની ભરતીમાં ફિઝિકલ પરીક્ષાનું એડમિટ કાર્ડ મળી આવ્યું હતું.

પોતે PSIની ફિઝિકલ પરીક્ષા આપી હતી પરંતુ પોતે નાપાસ થઈ હતી છતાં પણ હરીશ પ્રજાપતિએ તેના એડમિટ કાર્ડમાં ફિઝિકલ પરીક્ષા પાસ થયા હોવાનું પણ સિક્કો મારી આપ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.