ગુજરાતમાં સિંહની વસ્તી ૭૦૦ને પાર પહોંચી
અમદાવાદ, આ વર્ષે ગુજરાતમાં સિંહની સંખ્યામાં ૬થી ૮ ટકાનો વધારો થતાં વસ્તી ૭૦૦ને પાર પહોંચી ગઈ છે, તેમ રાજ્યના વન વિભાગના ઉચ્ચ સૂત્રોએ જણાવ્યું હતું. આ વધારો ‘પૂનમ અવલોકન’માં નોંધવામાં આવ્યો હતો. કોવિડ-૧૯ મહામારીના કારણે સિંહ ગણતરી ૨૦૨૦ની જગ્યાએ આ વર્ષના જૂન મહિનામાં પ્રથમ વખત આ કવાયત હાથ ધરવામાં આવી હતી.
ગુજરાત વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સિંહની વસ્તી ૭૧૦થી ૭૩૦ની વચ્ચે હોઈ શકે છે. અધિકારીઓએ કહ્યું હતું કે, ગણતરીની કવાયતને વાર્ષિક બનાવવામાં આવશે,
જેથી દર પાંચ વર્ષના બદલે દર વર્ષે સંખ્યા પ્રકાશિત કરવામાં આવે. ૨૦૨૦ના પૂનમ અવલોકનમાં સિંહ લેન્ડસ્કેપમાં ૨૦૧૯ની સરખામણીમાં ૨૮.૯ ટકાના વધારા સાથે ૬૭૪ જેટલી સિંહની સંખ્યા નોંધાઈ હતી. વિકાસ દર ૨૦૧૫માં ૨૦૧૦ની સરખામણીમાં ૨૭ ટકા હતો.