ગુજરાતમાં સિઝનનો ૧૦૦ ટકા જેટલો વરસાદ નોંધાયો
અમદાવાદ, સોમવાર સવાર સુધી ગુજરાતમાં સીઝનનો ૧૦૦ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં કુલ વરસાદનો ૮ ટકા એટલે કે ૬૭.૮ મીમી વરસાદ તો છેલ્લા ૨૪ કલાકમાં જ નોંધાયો છે. ઓગસ્ટ મહિનામાં જ રાજ્યમાં ૧૦૦ ટકા વરસાદ નોંધાયો હોય તેવું છેલ્લા ૧૦ વર્ષમાં પહેલીવાર બન્યું છે. જણાવી દઈએ કે, અમદાવાદ સહિત રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ છે. હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે મંગળવાર સવાર સુધી ઉત્તર, દક્ષિણ અને પૂર્વ-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્રના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રીલિફ કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં ભારે વરસાદને કારણે ૪૪ જેટલી નદીઓ અને ૪૧ તળાવો ભરાઈ ગયા હતા. સરદાર સરોવર ૬૦.૮૩ ટકા ભરેલો છે, જ્યારે ૬૮ ડેમો છલોછલ ભરાઈ ગયા છે. સરકારના જણાવ્યા અનુસાર, રાજ્યના ૨૦૫ ડેમમાંથી ૧૦૮ માટે હાઈએલર્ટ પર છે. શનિવારે રાતથી શરૂ થયેલો વરસાદ રવિવાર સાંજ સુધી યથાવત રહ્યો હતો. રવિવારે ભારે વરસાદ પડતા નદીઓ ઓવરફ્લો થઈ ગઈ હતી. જેના કારણે ૧૦થી વધુ ડેમો હાઈએલર્ટ પર છે.
રવિવારે ગુજરાતના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને જનજીવન પણ ખોરવાઈ ગયું હતું. નદીઓમાં પૂર આવતા અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી આવ્યા હતા. વરસાદના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં રવિવારે સવારે ૬ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં ૪૦ મીમી વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ રાણીપમાં તો સૌથી ઓછો ૨૯ મીમી વરસાદ વટવામાં નોંધાયો હતો. અત્યાર સુધી અમદાવાદમાં સીઝનનો કુલ ૬૭૯ મીમી એટલે કે જે ૩૦.૨૮ ઇંચ વરસાદ નોંધાયો છે. એએમસીને રવિવારે શહેરમાં ૧૪ સ્થળોએ પાણી ભરાવાની જ્યારે ૯ સ્થળો પર વૃક્ષો ધરાશાયી થયા હોવાની ફરિયાદો મળી હતી.SSS