ગુજરાતમાં સૌપ્રથમ વખત સિમ્સ હોસ્પિટલે કેન્સર DSRCTથી પીડાતા દર્દીની સારવાર કરી
ડીએસઆરસીટી (ડેસ્મોપ્લાસ્ટિક સ્મોલ સેલ રાઉન્ડ સેલ ટ્યૂમર) ભાગ્યે જ જોવા મળતી ગાંઠ છે જેમાં બચવાની શક્યતાઓ ખૂબ ઓછી હોય છે કારણ કે બીમારી ગંભીર બને પછી જ તેની ખબર પડે છે -વિશ્વભરમાં આ પ્રકારના લગભગ 200 કેસ જ જોવા મળ્યા છે
અમદાવાદ, મરેન્ગો સિમ્સ હોસ્પિટલના ડૉક્ટરોએ ક્લિનિકલ એક્સેલન્સનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં ડીએસઆરસીટી અથવા ડેસ્મોપ્લાસ્ટિક સ્મોલ રાઉન્ડ સેલ ટ્યુમર તરીકે ઓળખાતી ગાંઠની અત્યંત દુર્લભ બીમારીથી પીડિત 33 વર્ષીય દર્દીને આ જીવલેણ રોગમાંથી બચાવીને નવું જીવન આપ્યું છે.
ડીએસઆરસીટી ગાંઠો પેટ અને શરીરના પેલ્વિક વિસ્તારમાં વધે છે. પેરીટોનિયમમાં આ દુર્લભ પ્રકારની ગાંઠના કારણો નિષ્ણાંતો દ્વારા સારી રીતે જાણીતા નથી પરંતુ તેઓ રંગસૂત્રોની આનુવંશિક અસાધારણતાને આભારી છે. આ નરમ પેશીઓનું કેન્સર સામાન્ય રીતે પેટને અસર કરે છે અને પછી શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે.
ડીએસઆરસીટીનું નિદાન થયેલા દર્દીઓની બચવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે. દર્દીની સારવાર ડૉ. નીતિન સિંઘલ, કન્સલ્ટન્ટ સર્જિકલ ઓન્કોલોજી, મરેન્ગો સિમ્સ હોસ્પિટલ અને તેમની ટીમ ડૉ. દિપક દેસાઈ (એનેસ્થેસિસ્ટ), ડૉ. શિરીષ અલુરકર (મેડિકલ ઑન્કોલોજિસ્ટ), અને ડૉ. મિનેશ પટેલ (ઇન્ટેન્સિવિસ્ટ) દ્વારા કરવામાં આવી હતી.
સારવારમાં સૌપ્રથમ ગાંઠને દૂર કરવામાં આવી હતી. ત્યારબાદ HIPEC સર્જરી હાથ ધરાઈ હતી જે લગભગ 14 કલાક ચાલી હતી. હાયપરથર્મિક ઇન્ટ્રાપેરીટોનિયલ કીમોથેરાપી (HIPEC)માં દેખીતી કેન્સરગ્રસ્ત ગાંઠોને પ્રથમ પેટના પોલાણમાંથી સર્જરી દ્વારા દૂર કરવામાં આવે છે. પછી પોલાણમાં ગરમ કીમોથેરાપી હાથ ધરાય છે
જેને 42 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરવામાં આવે છે. આ પ્રક્રિયા શરીરમાં રહી ગયા હોય તેવા દરેક માઇક્રોસ્કોપિક કેન્સર સેલને ખતમ કરવા માટે હાથ ધરવામાં આવે છે અને તે અત્યંત જટિલ છે. આ પ્રક્રિયા સફળતાપૂર્વક હાથ ધરવા માટે ખૂબ જ ઉચ્ચ સ્તરની કુશળતાની જરૂર છે.
આટલી જટિલ પ્રકારની સર્જરીની પ્રક્રિયા ગુજરાતમાં સૌપ્રથમ વખત હાથ ધરાઈ છે જેમાં પહેલા ટ્યૂમરને કાઢીને બાદમાં HIPEC સર્જરી હાથ ધરાઈ છે. નોંધનીય છે કે વિશ્વભરમાં ડીએસઆરસીટીના માત્ર 200 જ કેસો નોંધાયા છે. એઈમ્સના મતે હજુ સુધી માત્ર બે-ત્રણ કેસોમાં જ સારવાર આપી શકાઈ છે અને ગુજરાતમાં આવી બીમારીના માત્ર પાંચ કે છ કેસો જ જણાયા છે.
ડેસ્મોપ્લાસ્ટિક સ્મોલ-રાઉન્ડ-સેલ ટ્યુમર (ડીએસઆરસીટી) એ આક્રમક અને દુર્લભ કેન્સર સ્વરૂપ તરીકે જાણીતું છે જે પેટમાં માસ અથવા એક દળદાર પદાર્થ તરીકે પેદા થાય છે. પેટનું અસ્તર, બરોળ, યકૃત, છાતીની દિવાલ, કરોડરજ્જુ, મોટું આંતરડું, મૂત્રાશય અને શરીરના અન્ય ઘણા એવા ભાગો છે જેનું સમયસર નિદાન ન કરવામાં આવે તો તે વધુને વધુ અસરગ્રસ્ત થઈ શકે છે.
તબીબી નિષ્ણાંતોના મતે આવી બીમારીના લક્ષણોમાં પેટમાં દુખાવો અને પેટ પૂરેપૂરું ભરાઈ ગયું હોવાનું સતત લાગવું, પેટમાં કંઈક ભારે હોવું અને જઠરાંત્રિય અસ્વસ્થતા જેવી કે કબજિયાત અને અપૂર્ણ પ્રસરણની લાગણીનો સમાવેશ થાય છે.
મરેન્ગો સિમ્સ હોસ્પિટલના ઓન્કોલોજિસ્ટ ડો. નીતિન સિંઘલે જણાવ્યું હતું કે “પેરીટોનિયમ (પેટના અવયવોને આવરી લેતું સ્તર)ના કેન્સરનું નિદાન કરવું મુશ્કેલ છે કારણ કે મોટાભાગના કિસ્સાઓમાં તે એડવાન્સ્ડ સ્ટેજમાં પહોંચે પછી તેની જાણ થાય છે. અગાઉ આમાંના મોટાભાગના કેન્સરના નિરાશાજનક પરિણામો હતા
કારણ કે તેમાંના મોટાભાગનામાં કિમોથેરાપી વધુ અસરકારક નથી. સાયટો-રિડક્ટિવ સર્જરી અને HIPECની આ ટેકનિકના આગમન સાથે દર્દીને કેન્સરના કોષોથી સંપૂર્ણ રીતે મુક્ત કરવા અને દર્દીના જીવનની ગુણવત્તા અને લાંબા ગાળાના પરિણામોમાં સુધારો થાય તે માટે અમે અમારી શ્રેષ્ઠતમ કુશળતાનો લાભ આપી શકીએ છીએ.”
મરેન્ગો એશિયા હેલ્થકેરના એમડી અને સીઈઓ ડો. રાજીવ સિંઘલે જણાવ્યું હતું કે, “સિમ્સ હોસ્પિટલે ગુજરાતમાં પ્રથમ વખત HIPEC સાથે આ સર્જીકલ પ્રક્રિયા સફળતાપૂર્વક હાથ ધરીને વધુ એક માપદંડ સ્થાપિત કર્યો છે. પુરૂષો અને સ્ત્રીઓમાં કેન્સરની સારવાર માટેની અમારી પ્રતિબદ્ધતામાં આ એવા પ્રકારનું દુર્લભ કેન્સર હતું જેની સારવાર માટે અમારી પાસે ક્લિનિકલ શ્રેષ્ઠતા છે.”
ડીએસઆરસીટી એ એક દુર્લભ અને જીવલેણ રોગ છે જે સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધુ જોવા મળે છે. જ્યારે સ્ત્રીઓમાં આ રોગ જોવા મળે ત્યારે તેને ઘણીવાર અંડાશયનું કેન્સર સમજવામાં આવે છે. આ રોગ બાળપણ દરમિયાન આદિમ કોષોમાંથી અચાનક બહાર આવવા માટે જાણીતો છે. પરંતુ જ્યારે આવું થાય છે ત્યારે શરીર ગાંઠની વૃદ્ધિને દબાવી શકતું નથી.