ગુજરાતમાં હજુ સુધી ૧૧૯ ટકા સુધીનો વરસાદ
અમદાવાદ, સમગ્ર ગુજરાત રાજયમાં ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદની સારી કૃપા વરસી રહી છે ત્યારે રાજયના જળાશયોમાં પણ નોંધપાત્ર આવક સાથે ઘણા જળાશયો છલકાયા છે, તો તેના કારણે રાજયમાં પાણીની ચિંતા હલ થઇ ગઇ છે. ખુદ સરકાર અને તંત્ર દ્વારા આ વર્ષના વરસાદને લઇ ભારે રાહત અનુભવાઇ છે કારણ કે, તેમના માટે પાણીની સમસ્યા હલ થઇ ગઇ છે. રાજ્યમાં સરેરાશ ૧૧૯ ટકા વરસાદથી ૮૫ જળાશયો છલકાયા છે.
છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ૧૬ તાલુકાઓમાં ૨ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે તેમજ ૨૬ જિલ્લામાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ, આજ ૧૩ સપ્ટેમ્બરે સવારે ૬ કલાક સુધીમાં સરદાર સરોવરમાં હાલમાં ૯૫.૭૮ ટકા પાણીનો સંગ્રહ છે. આ સાથે રાજ્યના ૬૮ જળાશયો ૭૦થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે.
૧૭ જળાશયો ૫૦ ટકાથી ૭૦ ટકાની વચ્ચે ભરાયા છે. જ્યારે ૧૨ જળાશયો ૨૫થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. રાજ્યના ૨૬ જિલ્લાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં કચ્છ, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે.
આ સાથે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના વ્યારા, માંડવી, પલસાણા, ચોર્યાસી, વઘઇ, નવસારી, વાલોદ, આહવા, સુરત શહેર, વાંસદા, સુબીર, વંથલી, ઝાલોદ, બારડોલી અને રાણાવાવ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના ૨૦૪ જળાશયોમાં હાલમાં પાણીનો સંગ્રહ કુલ સંગ્રહ શક્તિના ૮૩.૭૫ ટકા છે. ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૫૪.૩૩ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૬.૬૭ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૮૭.૩૬ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૭૬.૦૩ ટકા, સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૮૨.૭૮ ટકા પાણીનો સંગ્રહ છે.