Western Times News

Gujarati News

ગુજરાતમાં હરિયાળી-ગ્રીનકવર વધારવા રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ:મુખ્યમંત્રી

File

 

Ø  જેટલાં વૃક્ષો કપાય તેની સામે બમણા-બે ગણા વૃક્ષો વાવેતરથી ગ્રીનકવર વધારવા મુખ્યમંત્રીશ્રીની સૂચનાઓ

Ø  વૃક્ષાચ્છાદિત વિસ્તારોના જતન-સંવર્ધન-૧૮ સાંસ્કૃતિક વનોની નિભાવણી-સુશોભન અંગે વન અધિકારીઓની જવાબદારી-જવાબદેહી નક્કી કરાશે

Ø  ૭૦માં વન મહોત્સવ અન્વયે જિલ્લા-તાલુકા-ગ્રામ્યકક્ષાએ રોપા વિતરણનું માઇક્રોપ્લાનિંગ હાથ ધરાશે

Ø  ૧૦ કરોડ રોપાઓનું વિતરણ થશે

Ø  ૭૦મો રાજ્યકક્ષાનો વન મહોત્સવ અમદાવાદના ઓઢવના જડેશ્વરમાં ૮.પપ હેકટરમાં સાંસ્કૃતિક વન નિર્માણથી મુખ્યમંત્રીશ્રીના હસ્તે યોજાશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં હરિયાળી-ગ્રીનકવર વધારવા રાજ્ય સરકારની સંકલ્પબધ્ધતા વ્યકત કરી છે.  આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યમાં વન મહોત્સવ તહેત ૧૦ કરોડ રોપાઓનું વિતરણ ઝૂંબેશ રૂપે કરાશે. ૨૦૧૭ના સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ અનુસાર રાજ્યમાં ફોરેસ્ટ કવર અને ટ્રી કવર મળીને ૧૧.૬૧ ટકા છે તે ટકાવારી વધારવા મુખ્યમંત્રીશ્રીએ સુચવ્યું હતું  એટલું જ નહિ, જેટલા વૃક્ષો કપાય તેની સામે બમણા-બે ગણા વૃક્ષો વાવીને ગ્રીન કવર વધારવા પણ તેમણે વન વિભાગને સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે. આવા વૃક્ષાચ્છાદિત વિસ્તારના જતન માટેની જવાબદારી વન અધિકારીઓને સોંપાય તેમજ જવાબદારી-જવાબદેહી પણ નક્કી થાય તેવી કાર્યવ્યવસ્થા ગોઠવવાની તેમણે સૂચનાઓ આપી હતી. પૂર્વે ઘનિષ્ઠ વૃક્ષારોપણના આયોજન અંગે યોજાઇ હતી.

મુખ્યમંત્રીશ્રીએ બેઠકમાં સુચવ્યું હતું કે, વન મહોત્સવ અંતર્ગત વૃક્ષોના છોડ-રોપા વિતરણ તેમજ વાવેતરનું જિલ્લા-તાલુકા અને ગ્રામ્યસ્તર સુધી માઇક્રોપ્લાનીંગ વન વિભાગ કરે. વન મંત્રી શ્રી ગણપતભાઇ વસાવા, ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા તથા વન રાજ્ય મંત્રી શ્રી રમણભાઇ પાટકર અને મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, વન પર્યાવરણ અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા સહિત વરિષ્ઠ વન અધિકારીઓ આ બેઠકમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વન મહોત્સવો અન્વયે અત્યાર સુધીમાં જે વિવિધ સ્થળોએ ૧૮ જેટલા સાંસ્કૃતિક વનો નિર્માણ પામ્યા છે તે વનોની યોગ્ય માવજત, સુશોભન, જતન-સંવર્ધન માટે વન વિભાગના અધિકારીઓ યોગ્ય કાળજી લઇ મેનપાવર પ્લાનીંગ સહિતની વ્યવસ્થા ગોઠવે તેવું પ્રેરક સૂચન પણ કર્યુ હતું.

આ બેઠકમાં રાજ્યનો આગામી ૭૦મો રાજ્યકક્ષાનો વન મહોત્સવ અમદાવાદ જિલ્લાના ઓઢવના જડેશ્વરમાં યોજાવાનો છે તેની વિગતવાર પ્રસ્તુતિ કરવામાં આવી હતી.  મુખ્યમંત્રીશ્રીના હસ્તે જડેશ્વરમાં ૮.પપ હેકટરમાં અમદાવાદ જિલ્લાનું પ્રથમ સાંસ્કૃતિક વન નિર્માણ પામવાનું છે.  આ સાંસ્કૃતિક વન પણ પ્રવાસન – પ્રકૃતિ પ્રેમીઓના આકર્ષણનું કેન્દ્ર બને તેવી સુવિધાઓ, ફૂલ-છોડ ઝાડના વાવેતર જતનની કાળજી અંગે પણ શ્રી વિજયભાઇ રૂપાણીએ વન વિભાગને સૂચનો કર્યા હતા.

૭૦માં વન મહોત્સવ અંતર્ગત આ વર્ષે ૩૩ જિલ્લામથકો, ૮ મહાનગરો તેમજ રપ૦ તાલુકા મથકો સમેત પ૦ર૦ ગામોમાં વન મહોત્સવની ઉજવણી કરાશે તેનું આ બેઠકમાં વિગતવાર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજ્યના પાટનગર ગાંધીનગરના માર્ગોને પણ છોડ-વૃક્ષોથી સુશોભિત કરવાના આયોજનનું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.