Western Times News

Gujarati News

ગુજરાતમાં હવે બનશે સિંગાપોર-દુબઇ જેવા સ્કાય સ્ક્રેપર્સ-ટોલ આઇકોનિક બિલ્ડીંગ

Files Photo

ગગનચૂંબી ઇમારતોના નિર્માણનો નવો યુગ ગુજરાતમાં શરૂ કરવાનો માર્ગ મોકળો કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી –ગુજરાતના મહાનગરોને આધુનિક ઓપ આપી વિશ્વકક્ષાના શહેરો સમકક્ષ બનાવવાની દિશામાં શ્રી વિજયભાઇ રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય

પ્રજાહિતલક્ષી વિકાસ કામો-નિર્ણયોની કડીમાં વધુ એક નવું સિમાચિન્હ ઉમેરતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના મહાનગરોને આધુનિક ઓપ આપી વિશ્વ કક્ષાના શહેરો સમકક્ષ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોમાં હવે સિંગાપોર-દુબઇની જેમ સ્કાય સ્ક્રેપર્સ-ગગનચૂંબી ઇમારતોના બાંધકામને પરવાનગી આપવાનું એક આગવું કદમ ઉઠાવ્યું છે.
રાજ્યમાં હાલ પ્રવર્તમાન નિયમો અનુસાર વધુમાં વધુ રર-ર૩ માળના ઊંચા મકાનોના સ્થાને હવે ૭૦ થી વધુ માળની ઇમારતો, આઇકોનિક સ્ટ્રકચર્સના નિર્માણનો માર્ગ મુખ્યમંત્રીશ્રીએ મોકળો કરી આપ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય શાસનનું દાયિત્વ સંભાળ્યું ત્યારથી જ આયોજનબદ્ધ અને વિશ્વકક્ષાના શહેરી વિકાસ, સ્માર્ટ-સસ્ટેઇનેબલ સિટી ડેવલપમેન્ટના અનેક પ્રજાહિતલક્ષી નિર્ણયો કર્યા છે તેમાં આ એક વધુ સીમાચિન્હ તેમણે સર કર્યુ છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ મહાનગરોના સર્વગ્રાહી વિકાસના ઉદ્દેશ્યથી ચાર વર્ષના શાસન સમય દરમ્યાન ટી.પી., ડી.પી.ની મંજૂરીના બેવડા શતક અંતર્ગત ર૦૦થી વધુ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરેલી છે.

હવે, તેમણે રાજ્યના આ પાંચ મહાનગરોની આગવી ઓળખ ઊભી કરવાના હેતુસર રાજ્યમાં હાલ અમલી સીજીડીસીઆર-ર૦૧૭માં ટોલ બિલ્ડીંગ્સ-ઊંચી ઇમારતો માટેના રેગ્યુલેશન્સ આમેજ કરવાનો નિર્ણય કર્યો છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, અમદાવાદ સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર શહેરોનો રાજ્યના વિકાસ અને જીડીપીમાં સિંહફાળો છે. એટલું જ નહિ, શહેરી વિસ્તારમાં રોજગારીની તકો વધુ હોવાથી અને ગ્રામ્ય વિસ્તારમાંથી સ્થળાંતર તેમજ કુદરતી વિકાસના કારણે મકાનોની માંગ દિન પ્રતિદિન વધે છે, તેથી જમીનોની કિંમત પણ ઘણી વધી જાય છે.

શહેરના આયોજિત વિસ્તારની સર્વિસ લેન્ડનો મહત્તમ ઉપયોગ થઇ શકે અને વધુ લોકોનો સમાવેશ કરી શકાય તે માટે વર્ટીકલ ડેવલપમેન્ટ જરૂરી છે. જમીનોની કિંમત ઓછી થાય અને મકાનો સસ્તા થતાં સામાન્ય માનવીને પરવડે તેવા એફોર્ડેબલ મકાનો મળી શકે.

વિકાસલક્ષી અભિગમથી મુખ્યમંત્રીશ્રીએ ટોલ બિલ્ડીંગ-ગગનચૂંબી ઇમારતોના નિર્માણ માટે મંજૂરી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરેલો છે  આવા મકાનો માટે મુંબઇ, દિલ્હી વિગેરે શહેરોના નિયમોનો અભ્યાસ કર્યા બાદ નિયમોનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સ્ટ્રકચર સેફટી, ફાયર સેફટી, ટેકનિકલ આસ્પેકટ્સ મંજૂરી માટે મુંબઇની જેમ સ્પેશિયલ ટેકનિકલ કમિટી વગેરેની તમામ જોગવાઇઓ સૂચવવામાં આવી છે.

રાજ્યમાં શહેરી વિસ્તારમાં થઇ રહેલ તમામ સ્તરીય આંતરમાળખાકીય વિકાસ તથા રોજગારીની તકો સહ લોક સુખાકારીના કારણે વધતા જતા જમીનના ભાવો તથા અર્બન સ્પ્રોલ (Urban sprawl)ને નિયંત્રિત કરવા માટે સ્ટ્રેટેજીક અને નિયમબદ્ધ આયોજન દ્વારા હાઇ ડેન્સીટી ડેવલપમેન્ટની તાતી જરૂરિયાત છે.

હાલના વિકાસને ધ્યાને લેતાં આવી હાઇરાઇઝ ઇમારતો ગુજરાતમાં પણ બને તે માટે રાજ્ય સરકારે છેલ્લા કેટલાક સમયથી ઉચ્ચ કક્ષાએ ઘણી બેઠકોમાં ગહન ચર્ચા-વિચારણા કરીને આ નિર્ણયને આખરી ઓપ આપ્યો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.