ગુજરાતમાં હીટવેવની સ્થિતિને કારણે કોચીંગ ક્લાસ માટે લેવાયો આ નિર્ણય
(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં આ વખતે ગરમી બધા રેકોર્ડ તોડીને સતત વધતી જાય છે જેના કારણે લોકોના હાલ બેહાલ છે. અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોચિંગ ક્લાસિસને બપોરે ચાર કલાક માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આગામી પાંચ દિવસ સુધી બપોરને ૧૨ વાગ્યાથી ૪ વાગ્યા સુધી કોચિંગ ક્લાસિસ બંધ રહેશે.
આ ઉપરાંત ક્લાસિસમાં લીંબુપાણી, ઇલેક્ટ્રોલ પાઉડર, મેડિકલ કિટ પણ રાખવામાં આવશે. ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીને લઈને રેડ એલર્ટ અપાયું છે. ગરમીની સ્થિતિને જોતા આકરા તાપથી બચવા માટે નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.
ગુજરાતમાં ઉનાળાએ હાહાકાર મચાવ્યો છે અને તેના કારણે તમામ બિઝનેસને અસર થઈ રહી છે. લોકોને શક્ય હોય ત્યાં સુધી ઘરમાંથી બહાર ન નીકળવાની સલાહ અપાય છે અને હજુ પાંચ દિવસ સુધી આવી જ ગરમી પડે તેવી શક્યતા છે. તેના કારણે ગુજરાત ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિયેશને ૫ દિવસ સુધી શૈક્ષણિક સંસ્થાઓમાં બપોરે ૧૨થી ૪ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિયેશન, ગુજરાતના પ્રમુખ હેમાંગ રાવલે કહ્યું કે ગુજરાતમાં આવનારા પાંચ દિવસમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેથી વિદ્યાર્થીઓના આરોગ્યના હિત માટે બપોરે ૧૨થી સાંજના ૪ વાગ્યા સુધી એજ્યુકેશન સંસ્થાઓનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, જામનગર સહિતનાં મહાનગરો, તમામ જિલ્લા અને તાલુકાઓમાં આ ફેડરેશનના સદસ્યો છે.
ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ૪૫ ડિગ્રી કરતા વધારે તાપમાન પહોંચી જાય છે અને અમદાવાદમાં તો મહત્તમ તાપમાન ૪૬.૫ ડિગ્રીથી ઉપર જાય છે. અમદાવાદ રાજકોટ અમરેલી સહિતના જિલ્લામાં તાપમાનનો પારો ૪૫ને પાર જતાં લોકો આગ ઝરતી ગરમીનો અનુભવ કરી રહ્યાં છે.
હવામાન વિભાગે હજુ પણ હિટવેવની આગાહી કરી છે. હાલમાં રાજ્યના બે જિલ્લામાં રેડ એલર્ટ, ૨૦ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને ૬ જિલ્લામાં યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે.