ગુજરાતમાં ૧૨૪ દિવસમાં નોંધાયા કોરોનાના ૫૦ હજારથી વધુ કેસ
અમદાવાદ: કોવિડ-૧૯ના કેસોની દેશમાં શરૂઆતથી તો ગુજરાત એવું રાજ્ય હતું જ્યાં મોડેથી સંક્રમણ ફેલાયું હતું. ગુજરાતના પહેલા બે સત્તવાર કેસો ૧૯ માર્ચે નોંધાયા હતા. ૧૨૪ દિવસોમાં ગુજરાતમાં કોરોનાના કુલ ૫૦,૪૫૬ કેસ નોંધાયા અને ૫૦ હજારનો આંકડો પાર કરનારું દેશનું સાતમું રાજ્ય બન્યું છે.
આ સાત રાજ્યોમાંથી ઝડપથી કોરોનાના ૫૦ હજારથી વધુ કેસ નોંધાવા મામલે ગુજરાત પાંચમા ક્રમે છે. મહારાષ્ટ્રમાં ૭૬ દિવસમાં ૫૦ હજારથી વધુ કેસ નોંધાયા, તમિલનાડુમાં ૧૦૨ દિવસ, દિલ્હીમાં ૧૦૯ દિવસ અને આંધ્રપ્રદેશ તેમજ ઉત્તરપ્રદેશમાં ૨૦ જુલાઈએ ૫૦,૦૦૦ કેસ નોંધાયા હતા.
છેલ્લા ૨૪ કલાકમાં ૨૯૮ નવા કેસ નોંધાતા સુરતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૧૦,૨૭૬ થઈ છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ ૨૫,૭૬૭ કેસ છે. સુરત કેસ મામલે બીજા ક્રમે છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં નવા ૧૯૯ કેસ નોંધાયા. જે બાદ વડોદરામાં ૭૫ અને રાજકોટના ૫૮ કેસનો સમાવેશ થાય છે.
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાથી સૌથી વધુ ૩૪ લોકોના મોત થયા હતા. આ આંકડો છેલ્લા ૪૦ દિવસમાં સૌથી વધુ છે. કુલ ૩૪ મોતમાંથી ૨૧ સુરતના છે. જેમાંથી ૧૪ સુરત શહેરના અને ૭ બાકીના જિલ્લાના છે. અમદાવાદમાં ૬ દર્દીઓના મોત થયા, વડોદરામાં ૨, ભાવનગર, ગીરસોમનાથ, જામનગર, કચ્છ અને પાટણમાં એક-એક દર્દીના મોત થયા.
ગુજરાતમાં હવે એક્ટિવ કેસોની સંખ્યા ૧૧,૮૬૧ છે, જે કુલ કેસના ૨૩.૫ ટકા છે. ડિસ્ચાર્જ રેટ ૭૨ ટકા અને મૃત્યુદર ૪.૪ ટકા છે. છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૭૪૪ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં ડિસ્ચાર્જ થયેલા કુલ દર્દીઓનો આંકડો ૩૬,૪૦૩ પર પહોંચ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૨૦૪, સુરતમાંથી ૧૭૩, વડોદરામાંથી ૬૧ અને ગાંધીનગરમાંથી ૫૮ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
૨૪ કલાકમાં રાજ્યમાં ૧૩,૬૯૩ ટેસ્ટ કરવામાં આવ્યા. આ સાથે જ કુલ ટેસ્ટનો આંકડો ૫.૬૨ લાખ થયો છે. મંગળવાર સાંજ સુધીમાં ૪.૧૬ લાખ લોકો ક્વોરન્ટીનમાં છે, જેમાં ૪.૧૩ લાખ હોમ ક્વોરન્ટીનનો સમાવેશ થાય છે.