Western Times News

Gujarati News

ગુજરાતમાં ૧૫ જ દિવસમાં કોરોનાના કેસ ૪ ગણા વધ્યા

અમદાવાદ, ગુજરાત ભરમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો જાેવા મળી રહ્યો છે. ૨૧મી મેથી ૪ જૂન સુધી રાજ્યમાં કોવિડ ૧૯ કેસની સંખ્યા ૫૨૯ હતી, જ્યારે ૫ જૂનથી ૧૯ જૂન સુધી આ સંખ્યા વધીને ૨૨૪૯ થઈ ગઈ છે. રવિવારના રોજ રાજ્યમાં પાછલા ૧૪૪ દિવસમાં સૌથી વધારે કેસ નોંધાયા હતા.

ઉલ્લેખનીય છે કે ૧૯મી જૂન રવિવારના રોજ ૨૪૪ કેસ નોંધાયા હતા. નિષ્ણાંતોનું કહેવું છે કે, ઓમિક્રોનના પેટા વેરિયન્ટ BA.2.38૮ને કારણે કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરના ડેટા અનુસાર, ગત મહિનામાં કોરોનાના ૪૩૧ દર્દીઓનું સંપૂર્ણ જીનોમિક સિક્વન્સિંગ કરવામાં આવ્યું.

આમાંથી ૨૨૩ એટલે કે ૫૨ ટકા દર્દીઓમાં BA.2.38 જાેવા મળ્યુ હતું. તમને જણાવી દઈએ કે સૌપ્રથમ મે મહિનામાં BA.2.38 સબ વેરિયન્ટનો કેસ નોંધાયો હતો. જૂન મહિનામાં તેનું સંક્રમણ વધી ગયુ હતું. મે સુધીમાં તો આ પેટા વેરિયન્ટ ભારતમાં તેમજ દુનિયાના અન્ય દેશોમાં પગપેસારો કરી ચૂક્યો હતો. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં પણ BA.2.38 વેરિયન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે.

અને ઓમિક્રોનના આ જ પેટા વેરિયન્ટને કારણે દૈનિક કેસની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. રિપોર્ટ્‌સ અનુસાર આ પેટા વેરિયન્ટની હાજરી દિલ્હી અને કેરળમાં પણ છે. ગુજરાતમાં GBRC દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણ અનુસાર, સાત નમૂનાઓમાંથી BA.5 તેમજ અન્ય ૩ દર્દીઓમાંથી BA.4 વેરિયન્ટ મળી આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે યૂરોપના દેશોમાં આ વેરિયન્ટને કોરોનાના કેસમાં વધારો થવા પાછળનું કારણ માનવામાં આવે છે. દક્ષિણ આફ્રિકામાં પણ આ વેરિયન્ટને કારણે કેસમાં વધારો થયો હતો.

ગુજરાતના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાછલા એક મહિનામાં ગુજરાતમાં ઓમિક્રોનના ૧૫ પેટા વેરિયન્ટ્‌સ મળી આવ્યા છે. GCS મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગના પ્રમુખ અને પ્રોફેસર ડોક્ટર ઉર્વેશ શાહ જણાવે છે કે, BA.2.38ના પાંચ મ્યુટેશન્સ છે. આ મ્યુટેશન્સ પોતાના લગભગ પેરેન્ટ વેરિયન્ટ જેવી જ લાક્ષણિકતાઓ ધરાવે છે.

પરંતુ તેમનામાં રોગચાળો ફેલાવવાની ક્ષમતા છે. વૈશ્વિક ડેટાબેઝની વાત કરીએ તો, યુનાઈટેડ કિંગડમ પછી સૌથી વધારે ભારતમાં આ પેટા વેરિયન્ટની ઉપલબ્ધિ છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં બૂસ્ટર ડોઝની શરુઆત થઈ ગઈ છે, પરંતુ કોરોનાના કેસમાં વધારો નોંધાયો હોવા છતાં બૂસ્ટર ડોઝ લેવા પ્રત્યે નીરસતા જાેવા મળી રહી છે.

રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓના જણાવ્યા અનુસાર, ૧૮થી ૬૦ વર્ષ ઉંમર ધરાવતા લોકોની ૪.૯૩ કરોડ વસતીમા માત્ર ૧.૫ ટકા લોકોએ બૂસ્ટર ડોઝ લીધો છે.

અમદાવાદ મેડિકલ અસોસિએશનના અધ્યક્ષ ડોક્ટર કિરિટ ગઢવી જણાવે છે કે, ૩-૪ મહિના સુધી હર્ડ ઈમ્યુનિટીની અસર રહે છે. માટે બૂસ્ટર ડોઝ ખૂબ જરૂરી છે. અમે નાગરિકોને અપીલ કરીએ છીએ કે જાે તમે રસી લેવા લાયક હોય તો લઈ લેવી જાેઈએ.

ચોક્કસપણે કોરોનાની રસીના પહેલા અને બીજા ડોઝને કારણે ગંભીર ઈન્ફેક્શનથી બચી શકાય છે, પરંતુ બૂસ્ટર ડોઝ સુરક્ષામાં વધારો કરે છે. તેમણે આગળ જણાવ્યું કે, શહેરના અમુક તબીબો તાજેતરમાં કોરોનાના શિકાર બન્યા હતા. સ્ટેટ કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડોક્ટર મહર્ષિ દેસાઈ જણાવે છે કે, ઓમિક્રોન વેરિયન્ટના પણ લક્ષણો લગભગ સરખા જ હોય છે.

માથામાં અને શરીરમાં દુખાવો, સામાન્ય તાવ વગેરે લક્ષણો અનુભવાયા હતા. પાછલા થોડા દિવસોમાં અમુક દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની પણ સલાહ આપવામાં આવી છે. એકંદરે અત્યારે હોસ્પિટલમાં દાખલ કરવાનો દર ઓછો છે. પરંતુ સાવધાની વર્તવાનો સમય આવી ગયો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.