Western Times News

Gujarati News

ગુજરાતમાં 70 ટકા માતાપિતાઓ ઓનલાઇન શિક્ષણને અસરકારક માને છે

પ્રતિકાત્મક

રાજ્યમાં 60 ટકા માતાપિતાઓ ઘરેથી તેમના બાળકનાં શિક્ષણને સપોર્ટ કરી શક્યાં છે

અમદાવાદ,  દેશમાં સૌથી મોટી ઓનલાઇન સ્કૂલનું સંચાલન કરતી લીડ સ્કૂલે તાજેતરમાં હાથ ધરેલા સર્વેમાં ખુલાસો થયો છે કે, રોગચાળાથી બાલમંદિરથી લઈને ધોરણ 12 સુધીનો અભ્યાસ કરતાં બાળકોના માતાપિતાઓ ચિંતિત છે. અભ્યાસ દર્શાવે છે કે, અત્યારે 85 ટકાથી વધારે ભારતીયો કોવિડ રોગચાળા વચ્ચે સમાજમાં બાળકના ભવિષ્ય અને અર્થતંત્રની સંભવિતતાને લઈને વધારે ચિંતિત છે.

રસપ્રદ બાબત એ છે કે, સર્વેમાં આપણા દેશમાં ઓનલાઇન શિક્ષણના વધતા ટ્રેન્ડની સાથે એ બાબતનો પણ ખુલાસો થયો છે કે, ગુજરાતમાં આશરે 70 ટકા માતાપિતાઓ ઓનલાઇન લર્નિંગને શિક્ષણનું અસરકારક માધ્યમ ગણે છે. તેઓ માને છે કે, ફિઝિકલ સ્કૂલિંગની સાથે ઓનલાઇન લર્નિંગ પણ ચાલુ રાખવું જોઈએ. લગભગ 60 ટકા માતાપિતાઓનું માનવું છે કે, તેઓ ઘરેથી તેમના બાળકને સપોર્ટ કરી શક્યા છે અને આ ટ્રેન્ડ માતાઓ અને પિતાઓ એમ બંનેમાં જોવા મળે છે.

મેટ્રો અને નોન-મેટ્રો એમ બંને પ્રકારનાં શહેરોમાં આશરે 5,000 માતાપિતાઓ વચ્ચે હાથ ધરાયેલા આ રાષ્ટ્રીય સ્તરના સર્વેમાં કેટલાંક ચોંકાવી દે એવા તારણો બહાર આવ્યાં છે, જેમ કેઃ 70 ટકા માતાપિતાઓ તેમના બાળકના શિક્ષણ પર કોવિડની અસરથી ચિંતિત છે. આ પ્રમાણ ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓના માતાપિતાઓ માટે થોડું વધારે છે. 78 ટકાથી વધારે ઉત્તરદાતાઓએ બાળકના સ્વાસ્થ્ય અને સલામતીની ચિંતા વ્યક્ત કરી છે તેમજ આશરે 40 ટકા માતાપિતાઓએ બાળક અભ્યાસમાં પાછું પડી જશે તથા શિક્ષણ અને અભ્યાસનું એક વર્ષ ગુમાવશે એવી ચિંતા વ્યક્ત કરી છે.

લીડ સ્કૂલના ડેટા મુજબ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા સહિત વિવિધ રાજ્યોમાં માતાપિતાઓ માને છે કે, તેઓ તેમના બાળકના શિક્ષણને સપોર્ટ કરવા સારી રીતે સજ્જ નથી. બીજી તરફ કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને તેલંગાણા જેવા દક્ષિણ ભારતના રાજ્યોના માતાપિતાઓ માને છે કે, તેઓ તેમના બાળકના શિક્ષણને સપોર્ટ કરવા સક્ષમ છે.

જોકે એમાં નવાઈ નથી કે, ગુજરાતમાં 73 ટકા માતાપિતાઓએ જણાવ્યું હતું કે, તેઓ તેમના બાળકો સાથે ગુણવત્તાયુક્ત સમય પસાર કરી શક્યા છે – આ ટ્રેન્ડ મેટ્રો અને નોન-મેટ્રો એમ બંને પ્રકારનાં શહેરોમાં જોવા મળ્યો છે.

આ રાષ્ટ્રવ્યાપી સર્વેનો ઉદ્દેશ ભારતીય માતાપિતાઓની કેટલીક મુખ્ય ચિંતાઓ સમજવાનો હતો, કારણ કે ઉત્તરદાતાઓએ કોવિડ-19 રોગચાળાને કારણે બંધ શાળાઓની સમસ્યાનું સમાધાન કેવી રીતે કર્યું અને તેમના બાળકો સાથે સંબંધિત તેમના નિર્ણયો પર કેવી અસર થઈ છે એ વિશે તેમના અનુભવો વહેંચ્યા હતા.

લીડ સ્કૂલના સહસ્થાપક અને સીઇઓ સુમીત મહેતાએ કહ્યું હતું કે, “માતાપિતાઓ શાળાએ તેમના બાળકોને મોકલવાનો જે ડર અનુભવે છે એને હું સમજું છું. આપણી સ્કૂલોએ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઓનલાઇન શિક્ષણ પ્રદાન કરવું પડશે, જેથી જો આપણે આપણા બાળકને સ્કૂલમાં ન મોકલવાનો નિર્ણય કરીએ, તો તેઓને ગેરલાભ ન થાય. પણ આપણે માતાપિતાઓ નિર્ણયનું સન્માન કરવું પડશે, જેઓ તેમના બાળકોને સ્કૂલ મોકલવાનું પસંદ કરે છે. સરકારે એ સુનિશ્ચિત કરવા નિયમિતપણે ચકાસણી કરવી પડશે કે, સ્કૂલો આચારસંહિતાનું પાલન કરે છે કે નહીં તથા જે સ્કૂલમાં કોવિડ-19 સાથે સંબંધિત નિયમોનું પાલન ન થતું હોય એની સામે કડક પગલાં લેવા પડશે, કારણ કે એનાથી જ માતાપિતાઓ અને વિદ્યાર્થીઓ એમ બંને વચ્ચે વિશ્વાસ ઊભો થશે. માતાપિતાઓએ સ્કૂલો સાથે ચર્ચાવિચારણા કરીને પસંદગી કરવી પડશે, કારણ કે માતાપિતાઓ અને સ્કૂલો વચ્ચે વિશ્વાસ આધારિત સમજૂતી જ કોવિડ-19ની ભારતીય શિક્ષણને સૌથી મોટી ભેટ હોઈ શકે છે.”

લીડ સ્કૂલે તાજેતરમાં ભારતમાં સ્કૂલો માટે પોસ્ટ લોકડાઉન હેન્ડબુક પ્રકાશિત કરી છે, જેમાં લોકડાઉન પછી સ્કૂલોનું સંચાલન કેવી રીતે કરવું એની ભલામણો અને માર્ગદર્શિકાઓ છે, ત્યારે એમાં વિદ્યાર્થીઓની સલામતી અને ઉત્કૃષ્ટ શિક્ષણ એમ બંને ઉદ્દેશો હાંસલ કરવાની રીતો જણાવવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.