ગુજરાતી કિશોરીનાં લાંબા વાળ હોલિવૂડ મ્યૂઝિયમમાં મૂકાયા
પહેલી કમાણી કોવિડ હૉસ્પિટલ, રામમંદિરમાં આપી-નિલાંશીએ ર૦૧૮માં ઈટલીના રોમ ખાતે ૧૭૦.પ સેમી લાંબા વાળ સાથે ગિનીસ બુકમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું
અરવલ્લી, મોડાસાની નિલાંશી પટેલ આખા વિશ્વમાં સૌથી લાંબા વાળ ધરાવતી હતી. નિલાંશીએ ર૦૧૮માં ઈટલીના રોમ ખાતે ૧૭૦.પ સે.મી લાંબા વાળ સાથે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સતત બીજા વર્ષે પોતાનો જ રેકોર્ડ તોડી ૧૯૦ સે.મી. લાંબા વાળ સાથે સતત બીજા વર્ષે લોન્ગેસ્ટ હેયર ટીનેજરનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
તેમજ ત્રીજા વર્ષે એટલે કે ૨૦૨૦માં પણ લાંબા વાળમાં દબદબો યથાવત રાખતા ૨૦૦ સે.મી લાંબા વાળ સાથે નવો ગીનીશ વર્લ્ડ રેકોર્ડ બૂકમાં સ્થાન મેળવ્યું હતું. સૌથી લાંબા વાળની વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર નિલાંશીના વાળ અમેરિકાના પ્રસિદ્ધ હોલિવૂડ મ્યુઝિયમમાં મુકવામાં આવ્યા છે.
મોડાસાના સાયરા ગામની નિલાંશી પટેલ પોતાના લાંબા વાળના લીધે ગિનીસ બુકમાં સ્થાન ધરાવે છે. ત્યારે નિલાંશી પટેલએ પોતાના જીવનની પહેલી કમાણી રામમંદિર અને કોવિડ હોસ્પિટલમાં આપી સમાજમાં એક નવો રાહ ચિંધ્યો છે. સાયરા ગામની નિલાંશીએ લાંબા વાળ માટે પોતાનો જ રેકોર્ડ ત્રણ વાર તોડ્યો છે.
ત્યારે નિલાંશીને વાળની જાહેરાત માટે ઘણી ઓફરો આવતી હતી. પરંતુ મેક ઈન ઈન્ડિયાના પ્રોજેકટ અંતર્ગત પોતાની બનાવટનું હેર ઓઈલ બનાવવાનું ચાલુ કરી પોતાના જીવનની પહેલી કમાણીના ભાગરૂપે નિલાંશીએ રામમંદિર અને કોરોના મહામારીમાં લોકોને સારી સારવાર મળી રહે તે હેતુએ એકાવન હજાર રૂપિયા જેટલી રકમ દાન સ્વરુપે આપી યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની છે.
નિલાંશીના લાંબા વાળ હાલમાં જ અમેરિકાના ગીનીસ વર્લ્ડ રેકોર્ડ મ્યુઝિયમમાં મુકવામાં આવ્યા છે. તો બીજીબાજુ નિલાંશીની મમ્મી કામિનીબેને પણ પોતાના વાળનું કેન્સર પિડીત દર્દીઓ માટે દાન આપેલ છે. હાલના સમયમાં જયારે નવી પેઢી સંસ્કૃતિથી વિમુખ થઈ રહી છે
ત્યારે માત્ર અઢાર વર્ષની ઉંમરે પોતાની જિંદગીની પહેલી કમાણી રામમંદિર અને જરૂરિયાતમંદોને સારવાર મળી રહે તે હેતુએ દાનમાં આપીને નિલાંશીએ સમાજમાં એક ઉતમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. ત્યારે નિલાંશીના આ પ્રેરણા સ્વરૂપ કામને જિલ્લાવાસીઓએ વધાવીને અભિનંદન પાઠવ્યા હતા. વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર સાયરા ગામની વતની અને મોડાસા ખાતે રહેતી નિલાંશી પટેલે પોતાના સુંદર વાળ અમેરિકાના મ્યુઝિયમમાં ડોનેટ કરી અનેક સ્ત્રીઓ માટે પ્રેરણાસ્રોત બની છે.