Western Times News

Gujarati News

ગુજરાતી ફિલ્મ જગતમાં અપાતી સબસીડીમાં ગોટાળો

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અંતર્ગત મળતી સબસીડીમાં ચાર કરોડ જેટલી રકમનું કૌભાંડ થયું હોવાનો ગુજરાતી ફિલ્મ નિર્માતા મનોજ પટેલે દાવો કર્યો છે અને તેને લઈને સચોટ તપાસ તથા યોગ્ય કાર્યવાહી માટે હાઈકોર્ટમાં પિટિશન પણ કરી છે. મનોજ પટેલનું કહેવું છે કે સમગ્ર દેશ અત્યારે કોરોનાની વૈશ્વિક મહામારી સામે આર્થિક રીતે ઝઝૂમી રહ્યો છે અને આવનારો સમય આનાથી પણ કપરી આર્થિક મહામંદીનો સમય આવવાની ભીતિ સેવાઈ રહી છે.

ત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હાલમાં માહિતી અને પ્રસારણ વિભાગમાં કરવામાં આવેલ એક આરટીઆઇમાં ગુજરાતી ફિલ્મ ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહક નીતિ ૨૦૧૯ અને ૨૦૧૬ અન્વયે અપાતી સહાયની રકમ એટલે કે સબસીડી નો કથિત છબરડો બહાર આવ્યો છે.

આ છબરડામાં ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહક નીતિ ૨૦૧૬ હેઠળ આવતી આશરે ૧૮ જેટલી ફિલ્મોને જૂની ૨૦૧૬ની સબસીડીની માહિતી મુજબ સબસીડી ચૂકવવાને બદલે વાલા-દવલા ની નીતિના ધોરણે નવી સબસીડી નીતિ ૨૦૧૯ મુજબ કરોડો રૂપિયા ચૂકવી દીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, અને હજુ પણ આ રકમમાં વધારો થાય તેવી સંભાવના મનોજ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમના દ્વારા માંગવામાં આવેલી માહિતીમાં માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા ડિસેમ્બર ૨૦૧૯માં ૧૮ જેટલી ફિલ્મોને સબસિડી નાણાં ચૂકવાયા હતા તેનું લીસ્ટ તેમને મળ્યું છે.

જૂની ૧૮ ફિલ્મો ૨૦૧૮ ૨૦૧૭ અને ૨૦૧૬માં રીલિઝ થયેલી છે જ્યારે નવી ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહક નીતિ ૨૦૧૯ તારીખ ૮ માર્ચ ૨૦૧૯ ના રોજ લાગુ થઈ હતી જેના ૮ માર્ચ ૨૦૧૯ ના ઠરાવ મા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે નવી સબસીડી નીતિ આ ઠરાવ બહાર પડ્યા ની તારીખ ૮ માર્ચ ૨૦૧૯ થી અમલી બનશે તેમ છતાં ૧૮ ફિલ્મોમાં કેટલીક એવી ફિલ્મો પણ છે જેને અન્ય ભાષાની ફિલ્મોમાં થી રિમેક સ્વરૂપે બનાવવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.