ગુજરાતી મનોરંજન ચેનલ કલર્સ ગુજરાતી પ્રસ્તુત કરે છે મનમિલાપ.com
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/Ichha-Image-1-1024x1024.jpg)
જીવનસાથીની પસંદ એ પ્રત્યેક વ્યક્તિના જીવનનો મહત્વપૂર્ણ નિર્ણય છે. ઘણાં લોકો એવું માને છે કે લગ્ન તો સ્વર્ગમાં જ નક્કી થાય છે જ્યારે કેટલાક સફળ લગ્નજીવન માટે કુંડળી મેળવવા પર ભાર આપે છે. કલર્સ ગુજરાતી ની આ નવીનતમ ધારાવાહિક મનમિલાપ.com એક નટખટ અને અલ્લડ છોકરી “ઈચ્છા” ની વાર્તા છે, જે પોતાના માટે મનગમતા પાત્રની શોધમાં છે.
આ માટે તે મનમિલાપ.com અને બીજા માધ્યમ થકી લગભગ ડઝનથી પણ વધારે છોકરાઓને મળે છે, દરેક વખતે પ્રત્યેક પાત્રમાં કંઈક ખૂટતું હોવાનો અહેસાસ કરે છે, તે વિચારે છે કે શું આ પાત્ર ખરેખર તેની માટે યોગ્ય પસંદ સાબિત થશે? આ પછી ઈચ્છાનાં મનમાં એક દ્રઢ માન્યતા ઘર કરી જાય છે જે મનમિલાપ, કુંડળી અને પાત્રની સુસંગત્તા પર આધારિત છે. કલર્સ ગુજરાતીના આ ધારાવાહિકની શરૂઆત તા. 7મી જૂન સાંજે 7:30 થી થશે અને તે દર સોમવાર થી શનિવાર સુધી પ્રસારિત થશે.
આ ધારાવાહિકના લોન્ચ પ્રસંગે કલર્સ ગુજરાતીના પ્રોગ્રામિંગ હેડ, ડો.દર્શિલ ભટ્ટ જણાવે છે કે કલર્સ ગુજરાતી તેના દર્શકો માટે સતત નવા ધારાવાહિક અને મનોરંજક કાર્યક્રમોની રચના કરતું રહે છે. અને દર્શકો માટે કંઈક નવું કરવાની આ ચાહત જ તેમને આવા રસપ્રદ ધારાવાહિકોનું નિર્માણ કરવા કરવા પ્રેરે છે.
મનમિલાપ.com એક અદભુત સ્ટોરી છે જે ઈચ્છા ના પાત્ર પર અને તેના પરિવારને આધારિત છે અને સતત તેની આસપાસ ઘૂમતી રહે છે. આ વાર્તામાં પ્રેમ, કૉમેડી અને ડ્રામા પણ છે જે દર્શકોને જકડી રાખવામાં મદદરૂપ થશે. આ ધારાવાહિક બધા જ જનરેશનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.
મનમિલાપ.com ધારાવાહિકમાં ઈચ્છા ભણીને વતન જામનગર આવે છે ત્યારે તે પોતાના પિતાના સફળ મેરેજ બ્યુરોના વ્યવસાયને ઓનલાઇન લઇ જઈ મનમિલાપ.com નામના પોર્ટલ દ્વારા નવા જમાનાને સુસંગત બનાવવાના પ્રયત્નો આદરે છે.
આ દરમિયાન તેના પરિવારના લોકો તેના માટે યોગ્ય પાત્ર ગોતવાની કસરત શરુ કરે છે અને તે માટે એની કુંડળી જોવડાવામાં આવે છે.
કુંડળી પ્રમાણે ઈચ્છા ના લગ્ન આગામી 16 મહિનામાં થવા જરૂરી છે. શું આ વાત સાથે ઈચ્છા સહેમત થશે? લગ્ન વિષે ઈચ્છા ને સાચું માર્ગદર્શન મળશે? ઈચ્છાની મનપસંદ પાત્ર શોધવાની સર્ચ ક્યાં જઈને અટકશે? આ ધારાવાહિક ને વાયોલેટ વિન્ગ્સ દ્વારા નિર્મિત કરવામાં આવ્યું છે.
મનમિલાપ.com નવા યુગની નવી વાર્તા છે, એક આત્મવિશ્વાસ થી ભરેલી ગુજરાતી છોકરી છે જે આધુનિક છે નવા વિચારો ધરાવે છે પણ તેના પારિવારિક મૂલ્યો તેને હંમેશા બીજાને મદદરૂપ થવા પ્રેરે છે. આ ધારાવાહિકની વાર્તા અને પાત્રો તેને ખુબ જ મજબૂત અને મનોરંજક બનાવે છે જે ગુજરાતી દર્શકોને સતત જકડી રાખશે…