ગુજરાતે યુવા શક્તિના સ્કિલ ડેવલપમેન્ટથી વિશ્વના પડકારો ઝિલવા સક્ષમ યુથ પાવર ઊભો કર્યો છે : મુખ્યમંત્રી
વિશ્વ યુવા કૌશલ્ય દિવસે ગુજરાતમાં યોજાયો નેશનલ સ્કિલ સમિટ વેબિનાર
ઇન્ડસ્ટ્રીના માધ્યમથી-ઇન્ડસ્ટ્રી દ્વારા ઇન્ડસ્ટ્રીઝ સ્પેસિફિક તાલીમથી ઉદ્યોગોને જરૂરિયાત સ્કિલ્ડ મેનપાવર માટેના ‘પ્રોજેક્ટ સંકલ્પ’નું ઇ-લોન્ચિંગ કરતા શ્રી વિજયભાઇ રૂપાણી
મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ યોજનાથી રાજ્યના યુવાઓ આત્મનિર્ભર ભારતને સાકાર કરશે
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ અવસરે યાજાયેલા નેશનલ સ્કિલ સમિટના વેબીનારમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતે યુવાશક્તિના કૌશલ્ય વર્ધનથી તેને વિશ્વના પડકારો ઝિલી શકવા સક્ષમ બનાવવાનું શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, કૌશલ્ય સ્કિલ એક એવું સક્ષમ માધ્યમ છે, જેનાથી યુવાશક્તિને સામર્થ્યવાન, હુન્નર કૌશલ્યયુક્ત બનાવીને આત્મનિર્ભર ભારતની નેમ પાર પાડી શકાશે.
મુખ્યમંત્રીશ્રીએ આ વેબિનાર વેળાએ રાજ્યના શ્રમ રોજગાર વિભાગના પ્રોજેક્ટ સંકલ્પનું પણ ઇ-લોન્ચિંગ શ્રમ રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતિમાં કર્યું હતું. ઇન્ડસ્ટ્રીના માધ્યમથી ઇન્ડસ્ટ્રી દ્વારા ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક તાલીમથી ઉદ્યોગોની જરૂરિયાતના આધાર પર મેનપાવર અને રાજ્યના યુવાનોને રોજગાર આપીને આત્મનિર્ભર યોજનાને ગતિ આપવાનો ઉદ્દેશ આ પ્રોજેક્ટમાં રાખવામાં આવેલો છે.
તેમણે ઉમેર્યું કે, દેશના યુવાનોની શક્તિ-સામર્થ્ય તથા કૌશલ્યને નવી દિશા પ્રદાન કરવાના ઉદ્દેશથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજથી પાંચ વર્ષ પહેલા ‘સ્કિલ ઇન્ડિયા’ મિશનની શરૂઆત કરી હતી. આ કૌશલ્ય ભારત મિશનની સફળતાને પગલે સ્થાનીય અને વિશ્વ બંને સ્તરો એ યુવાઓને રોજગાર પ્રાપ્ત કરવાના અવસરમાં વધારો થયો છે.
ભારત ૬૫ ટકા યુવાઓની સાથે વિશ્વનો સૌથી મોટો યુવા દેશ છે ત્યારે ગુજરાતના યુવાનોના ભવિષ્યને ઉત્કૃષ્ટ બનાવવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. ગુજરાત દેશનું એક માત્ર એવું રાજ્ય છે જ્યાં બેરોજગારી દર દેશમાં સૌથી ઓછો એટલે ૩.૪ ટકા છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, કૌશલ્ય વિકાસ એક સંકલિત પ્રક્રિયા છે, જેમાં રોજગારીની સાથે શિક્ષાનો સમન્વય કરીને કુશલતાની તાલીમ પ્રદાન કરવામાં આવે છે ગુજરાતના યુવાનોને સ્કિલ ડેવલપમેન્ટ માટે પ્રેરિત કરવાના ઉદ્દેશથી ‘મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ’ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આજે ગુજરાતમાં ૪૬ હજારથી વધુ એપ્રેન્ટિસશીપ તાલીમ લઇ રહ્યા છે જે ગુજરાત માટે ગૌરવની વાત છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, આજે આખું વિશ્વ કોરોનાના સંક્રમણ સામે લડી રહ્યું છે, ત્યારે ગુજરાત કોરોના મહામારીના સંદર્ભમાં સતર્કતાથી આગળ વધી રહ્યું છે. કોરોના સંક્રમણકાળમાં વિદ્યાર્થીઓ તથા યુવાનોનો અભ્યાસ પર અસર ન પડે તે માટે ઘરે બેસીને અભ્યાસ કરી શકે એવી અભિનવ પહેલ દેશમાં ગુજરાતે કરી છે.
આ અંગે તેમણે જણાવ્યું કે, લોકડાઉન દરમ્યાન ૭૦૦ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર્સ દ્વારા ૧૨ વિવિધ ટ્રેડ માટે ૨ હજાર કલાકથી વધાર ઇ-લર્નિંગ મટિરિયલ તૈયાર કરવામાં આવ્યું છે. આ સાથે તાલીમ લેનાર વિદ્યાર્થી માટે પરીક્ષાની સંપૂર્ણ તૈયારી માટે ૧૦ હજાર એમસીક્યૂની પ્રશ્નાવલિ તૈયાર કરવામાં આવી છે.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવેલી પહેલ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સૌએ ‘વોકલ ફોર લોકલ’ બનવું પડશે તેવો અનુરોધ કરતા તેમણે દેશમાં ઉપલબ્ધ કૌશલ્યની તકોનો વ્યાપક લાભ લેવા માટે યુવાઓને અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ નવિન પર્વ કે લિયે નવિન પ્રાણ ચાહિયેની વિભાવના આપતા કહ્યું કે, યુવા શક્તિના નવોન્મેષી વિચારોને સ્કિલ વીલ ઝિલ= વિનના પ્રધાનમંત્રી શ્રીના મંત્ર સાથે સાકાર કરવા ગુજરાતે સ્કિલ ડેવલપમેન્ટ મિશન, સ્કિલ યુનિવર્સિટી જેવા સમયાનુકુલ આયામો પણ અપનાવ્યા છે.
આ વેબિનારમાં શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી વિપુલ મિત્રા, રોજગાર અને તાલિમ વિભાગના નિયામક શ્રી સુપ્રિત સિંહ ગુલાટી, ડીએચસીના શ્રી પિટર કુક, પીડિલાઇટ્સના શ્રી પી.કે.શુક્લા તેમજ ઇલેટ્સ ટેક્નોમીડિયાના પ્રતિનિધીઓ અને યુવાઓ પણ જોડાયા હતા.