ગુજરાત અને વડોદરાને મહિલા માટે સેફ ગણવામાં આવે છે, આ ભ્રમણા છેઃ અમિ રાવલ
વડોદરા, સુરતમાં ગ્રીષ્માં નામની યુવતીની હત્યા એક તરફી પ્રેમમાં ફેનીલ નામના યુવક દ્વારા કરવામાં આવી હતી. તો બીજી તરફ વડોદરામાં પણ તૃષા નામની યુવતીની હત્યા એક તરફી પ્રેમમાં થઈ હતી.
વડોદરામાં સામુહિક દુષ્કર્મ અને હત્યાના કેસો વધતા વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષના નેતા અમિ રાવતે મહિલા સુરક્ષા બાબતે એક નિવેદન આપતા કહ્યું હતું કે, એક તરફ ગુજરાત અને વડોદરાને મહિલાઓ માટે સુરક્ષિત ગણવામાં આવે છે પરંતુ ખરેખરમાં આ ભ્રમણા છે.
વડોદરામાં તૃષા નામની યુવતીની હત્યા એક તરફી પ્રેમમાં કરવામાં આવી હતી અને તૃષાની હત્યા કરનાર હજુ તો રિમાન્ડ પર હતો ત્યાં જ વડોદરા જિલ્લામાં વધુ એક યુવતીની હત્યા પ્રેમ સંબંધમાં કરવામાં આવી છે. ત્યારે યુવતી અને મહિલાઓની હત્યાઓની ઘટનાઓ બાબતે અને વડોદરામાં મહિલાઓ સુરક્ષિત ન હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં વડોદરામાં મહિલા સુરક્ષા મુદ્દે ફરી એક વખત રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
ત્યારે વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષી નેતા અમિ રાવતે આ બાબતે નિવેદન આપતા કહ્યું હતું કે, ગુજરાત મહિલાઓ માટે સેફ હેવન છે તેવી વાતો કરવામાં આવે છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, લોકો એવું ગૌરવ લેતા હોય છે કે, વડોદરામાં મહિલાઓ આખી રાત ગરબા કરે અને તેમને કશું ન થાય મહિલાઓ સુરક્ષિત છે પરંતુ આ ભ્રમણા છે. સૌથી મોટુ ભયાનક સ્વરૂપ હવે સામે આવી રહ્યું છે.
વડોદરા શહેરમાં નવલખી મેદાનમાં સામૂહિક દુષ્કર્મ ગ્રાઉન્ડમાં દુષ્કર્મની ઘટના બાદ આરોપી પકડાયા નથી અને હવે આ તૃપ્તિ હત્યાકાંડ સામે આવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જબરદસ્તી કોઈ બહેનને આ રીતે લઈ જઈ તેની સાથે ક્રુરતા પૂર્વક ર્નિમમ હત્યા થઈ તે ભલભલાના રુવાટા ઉભા થઈ જાય. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં મહિલાઓ સુરક્ષિત નથી મહિલાઓએ પોતાની સુરક્ષા માટે પોતે સચેત થવું પડશે અને તંત્રને પણ મિડિયાના માધ્યમથી અપીલ કરીએ છીએ કે, ક્યાં સુધી મહિલાઓ પર અત્યાચારની સામે ખોટી વાતો કરીને બરોડા સેફ, ગુજરાત સેફ છે એવું કહીને ગેરમાર્ગે દોરતા રહેશે.
અમિ રાવતે એવું પણ કહ્યું કે, પીડિત મહિલાઓને તાત્કાલિક ન્યાય મળે એટલા માટે આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને દોષિતોને ફાંસીની સજા આપવામાં આવે. જાહેરમાં સજા આપવામાં આવે જેથી બીજા લોકો આ રીતે દુષ્કર્મ કરતાં રોકાય અને તો જ મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત થશે.HS