ગુજરાત કોંગ્રેસમાં જૂથવાદ ચલાવાયો તો હવે ખૈર નથી
અમદાવાદ: કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ તાજેતરમાં કોંગ્રેસના કાર્યકરોને સંબોધન કરતી વખતે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જે કોઈ પણ કોંગ્રેસીને ભાજપ કે આરએસએસથી ડર લાગતો હોય તો તેમણે કોંગ્રેસ છોડી દેવી અથવા તો આવા નેતાઓને બહારનો રસ્તો બતાવો.
રાહુલ ગાંધીના આ નિર્દેશ બાદ ગુજરાત કોંગ્રેસમાં વર્ષોથી જામી પડેલા અને મામા-માસીવાળું ચલાવીને એક હથ્થું રીતે કોંગ્રેસમાં પેંઘા પડેલા નેતાઓ માટે કપરા દિવસો આવી રહ્યા હોવાના ભણકારા વાગી રહ્યા છે. ખાસ કરીને જે નેતાઓ ગોડફાધર બનીને મહાલતા જાેવા મળે છે તેમના કમરપટ્ટા તળે ઘા થવાના વર્તારા જાેવા મળી રહ્યા છે.
પાછલા અનેક વર્ષોથી ગુજરત કોંગ્રેસમાં જૂથબંધી છેક ગામડા સુધી વિસ્તરી ચૂકી છે. નેતાઓ અને કાર્યકરો એકબીજાને પછાડવા અને પોતાના માણસોની ગોઠવણ કરવા, ટીકીટ મળે તેના માટે આકાશ પાતાળ એક કરતાં રહ્યા છે અને આ માટે આવા બની બેઠેલા ગોડફાધરો પોતાનો કક્કો ખરો કરી પણ નાંખે છે. ૧૯૯૫ પછીની ચૂંટણીઓ જાેઈએ તો કોંગ્રેસ વિધાનસભામાં સત્તાથી સતત દુરને દુર હડસેલાતી દેખાય છે. આની પાછળનું મુખ્ય કારણ કોંગ્રેસમાં ચાલતી જૂથબંધી અને એકબીજાને હરાવવાની મેલી રમતો જવાબદાર હોવાનું કોંગ્રેસ વર્તુળો કહી રહ્યા છે.
રાહુલ-પ્રિયંકા ગાંધીની કોંગ્રેસમાં બની બેઠેલા ગોડફાધરોનું આવી બનવાનું છે. જિલ્લા પંચાયત, કોર્પોરેશન, વિધાનસભા કે લોકસભામાં ટીકીટ માટે ધમપછાડા કરતાં ગોડફાધરો પોતોના માણસોને જીતાડી શકતા નથી પણ ટીકીટ માટે અનેક પ્રકારના છણકા કરતા રહે છે. રાહુલ-પ્રિયંકાની કોંગ્રેસમાં જૂથબંધી અને ગોડફાધરીયા કલ્ચરની બેન્ડ વાગશે એવું કોંગ્રેસના વર્તુળો જણાવી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં મોટા પાયા પર કડાકા-ભડાકા થવાની શક્યતા છે. કોંગ્રેસમાં મોટા ફેરફારો આવી રહ્યા છે અને આ માટે કોંગ્રેસ હાઈકમાન્ડ ટૂંક સમયમાં રાષ્ટ્રીય નેતાઓને ગુજરાત મોકલશે એવું પણ જાણવા મળી રહ્યું છે.