ગુજરાત કોંગ્રેસ આજે તમામ એપીએમસી બંધ કરાવશે
અમદાવાદ, દિલ્હીમાં કૃષિ કાયદાના વિરોધમાં કિસાનો છેલ્લા ૧૧ દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ કડીમાં કિસાનોએ ૮ ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત કરી છે. કોંગ્રેસ સહિત ૨૨ જેટલી રાજકીય પાર્ટીઓએ કિસાનોના ભારત બંધને સમર્થન આપ્યું છે. તો ગુજરાતમાં પણ ઘણા માર્કેટિંગ યાર્ડ, વેપારી એસોસિએશન, કોળી સમાજ સહિતે આ બંધને સમર્થન આપ્યું છે. તો ભારત બંધને લઈને ગુજરાત કોંગ્રેસે પણ પોતાની રણનીતિ બનાવી છે. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ કોંગ્રેસના નેતાઓને આવતીકાલે દરેક જિલ્લામાં એપીએમસી બંધ કરાવવાની સૂચના આપી છે. કોંગ્રેસે કિસાનોના બંધને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. હવે ગુજરાત કોંગ્રેસ પણ બંધને સફળ બનાવવા માટે સક્રિય થઈ ગઈ છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ દરેક ધારાસભ્યોને પોતાના વિસ્તારનું એપીએમસી બંધ કરાવવા સૂચના આપી છે. અમિત ચાવડાએ કોંગ્રેસના ધારાસભ્યોને પોતાના જિલ્લામાં કિસાનોના સમર્થનમાં એપીએમસી બંધ કરાવવાની સૂચના આપી છે. આ સાથે તેમણે કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યો કે કાર્યકરો ઘર્ષણમાં ન ઉતરે. અમિત ચાવડાએ કોઈ સાથે સંઘર્ષ ન કરવાની કડક શબ્દોમાં સૂચના આપી છે. તેમણે નેતાઓને કહ્યું કે, ખેડૂતો અને વેપારીઓને સમજાવીને બંધમાં સહકાર માગવાનું કહ્યું છે. તેમણે કોંગ્રેસ નેતાઓને ખેડૂતોને સાથે રાખી બંધ કરાવવા જવાનું પણ કહ્યું છે. કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાને રદ્દ કરવા માટે દિલ્હીની સરહદો પર છેલ્લા ૧૧ દિવસથી પ્રદર્શન કરી રહેલા કિસાનોએ આવતીકાલે એટલે કે ૮ ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત કરી છે. તો ગોંડલ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોના ભારત બંધને ટેકો આપવામાં આવ્યો છે. આવતીકાલે બંન્ને માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. યાર્ડના દલાલ મંડળ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોના આંદોલનના ભારત બંધને સમર્થન આપવાની જાહેરાત કરવામાં આવી છે.SSS