ગુજરાત કોલેજ પાસેના ફ્લેટમાં આગ લાગી: ૪૦ લોકોને બચાવાયાં
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરના માદલપુર ગરનાળા પાસે મધુવન ફ્લેટના ચોથા માળે આગ લાગવાની ઘટના બની હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ૧૨ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી.
જો કે, એક કલાકની જહેમત બાદ આ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો હતો. ફાયરની ટીમ અને અધિકારીઓ રેસ્ક્યૂની કામગીરીમાં લાગ્યા હતા. આ ફ્લેટમાં લાગેલી આગ અને તેના ધૂમાડામાંથી ફાયર બ્રિગેડે ૪૦ જેટલા લોકોનું રેસ્ક્યૂ કર્યુ હતું સદનસીબે આ આગમાં કોઇ જાનહાનીના સમાચાર મળ્યા નથી. આ આગને કારણે ૮૦ વર્ષના વૃદ્ધને ફર્સ્ટ એડ આપીને સારવાર આપવામાં આવી હતી.
શહેરની ગુજરાત કોલેજના વિસ્તારમાં આવેલા મધુવન ફ્લેટમાં આજે સવારે આગ લાગી હતી . આ ફ્લેટ કોમર્શિયલ છે. આજે સોમવાર હતો જેના કારણે અહીં મોટા પ્રમાણમાં લોકો કામ કરી રહ્યા હતા. હાલ પ્રાથમિક તારણ પ્રમાણે શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હોય તેવું સામે આવ્યું છે. પરંતુ હજી આગનું ચોક્કસ કારણ જાણવા માટે એફએસએલના રિપોર્ટની રાહ જોવી પડશે.
આ આગ અંગે ફાયર ઓફિસરે માહિતી આપતા કહ્યુ કે, ‘આજે સવારે ૧૧.૩૦ વાગયાની આસ પાસ લાગી હતી.તેવી કોલ હતો. મધુવન ફ્લેટમાં ચોથા માળે આગ લાગી હતી. આના વિક્ટિમ પાંચમા અને છઠ્ઠા માળે ફસાયેલા હતા. આ આગમાં રેસ્કાયૂ અને સર્ચ ઓપરેશન કરીને હાલમાં બધાને સહી સલામત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા છે. આ ઘટના બની ત્યારે ફાયર ફાઇટરની કુલ ૫૫ ટીમો ઘટના સ્થળે હતી.’