ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની દ્વારા ખેડૂતો માટે khedut.ggrc.co.in પોર્ટલનું લોન્ચ કરાયું
- ખેડૂતોએ પોર્ટલ દ્વારા અથવા મોબાઇલ નંબર ૯૭૬૩૩૨૨૨૧૧ પર પોતાની વિગતો ભરી નોંધણી/એસ.એમ.એસ. કરવાનો રહેશે
- નોંધણી બાદ જી.જી.આર.સી. દ્વારા ખેડૂતોનો સામેથી સંપર્ક કરીને ટપક સિંચાઇ પદ્ધતિ ગોઠવવામાં સહાયરૂપ થશે
- અત્યાર સુધીમાં રાજ્યના ૧૧ લાખથી વધુ ખેડૂતોએ લીધો લાભ : ૧૮.૫૦ લાખ હેક્ટરમાં સુક્ષ્મ સિંચાઇ સુવિધા ઉપલબ્ધ
- રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સુક્ષ્મ સિંચાઇ ઉપલબ્ધ કરાવવા અત્યાર સુધીમાં કુલ રૂ.૬૦૯૦ કરોડની સબસીડી ચુકવાઇ
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સુક્ષ્મ પદ્ધતિથી ખેતીની સુવિધા ઉપલબ્ધ કરાવવા સઘન પ્રયાસો હાથ ધરાયા છે જેના ભાગરૂપે આજે ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના (Dy. CM of Gujarat Nitin Patel) હસ્તે જી.જી.આર.સી. દ્વારા ખેડૂતો માટે તૈયાર કરાયેલ khedut.ggrc.co.in પોર્ટલનું લોન્ચીંગ કરાયુ હતું. આ પ્રસંગે જી.જી.આર.સી. ના મેનેજીંગ ડીરેક્ટર શ્રી શાહમીના હુસૈન (GGRC managing Director Shahmina Husain), જોઇન્ટ સી.ઇ.ઓ. શ્રી રેણુ ભટ્ટ (Joint CEO Renu Bhatt), એગ્રો ડેવલપમેન્ટના ચીફ શ્રી પી.પી.દોંગા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
નાયબ મુખ્યમંત્રીશ્રી પટેલે પોર્ટલનું લોન્ચીંગ કરતા જણાવ્યુ હતુ કે, રાજ્યમાં ખેડૂતોને પર ડ્રોપ મોર ક્રોપ માટે ડ્રીપ ઇરીગેશન-સુક્ષ્મ સિંચાઇ પદ્ધતિ દ્વારા ઓછા પાણીએ વધુ ખેતી ખેડૂતો કરી શકે તે માટે ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની દ્વારા સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં જી.જી.આર.સી. દ્વારા રાજ્યના ૧૧ લાખથી વધુ ખેડૂતોને ૧૮.૫૦ લાખ જેટલા હેક્ટરમાં સુક્ષ્મ સિંચાઇ પદ્ધતિ વસાવીને આ યોજનાનો લાભ પુરો પડાયો છે. ખેડૂતોને ખૂબ જ ઓછી કિંમતે ટપક સિંચાઇની સિસ્ટમ લગાડવા માટે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં કુલ રૂ. ૬૦૯૦ કરોડની માતબર રકમની સબસીડી પણ પુરી પાડી છે.
શ્રી પટેલે ઉમેર્યુ કે, સુક્ષ્મ સિંચાઇ પદ્ધતિનો લાભ મેળવવા માટે ખેડૂતોએ કાર્યરત થયેલ આ પોર્ટલમાં અથવા મોબાઇલ નંબર ૯૭૬૩૩૨૨૨૧૧ ઉપર પોતાની વિગતો, નામ, જિલ્લો, તાલુકો, ગામ ભરી પૂર્વ નોંધણી જાતે જ કરી શકશે. નોંધણી થયા બાદ જી.જી.આર.સી. દ્વારા સામેથી ખેડૂતોનો સંપર્ક કરી સુક્ષ્મ સિંચાઇ પદ્ધતિ લગાડવા માટેની કામગીરી કરવામાં આવશે.