ગુજરાત ચેમ્બર ખાતે ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી

ગુજરાત ચેમ્બરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરુ કરેલ “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત તા.15/08/2021, રવિવાર ના રોજ ચેમ્બર ખાતે આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખ્યો હતો. આ કાર્યક્રમમાં અપંગ માનવ મંડળ તથાબહેરા મૂંગાની શાળાનાછાત્રો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ચેમ્બરના પ્રમુખશ્રી નટુભાઈ પટેલે પોતાના વ્યક્તવ્યમાં હર્ષભેર જણાવ્યું હતું કે દિવ્યાંગ છાત્રો સાથે કરેલ આ ઉજવણી એ ચેમ્બર માટે એક દિવ્ય પ્રસંગ સમાન છે.
તેમણે જણાવ્યુ હતું કે, ભારત આઝાદીથી લઇને અત્યાર સુધીના સમયગાળાના પ્રથમ 25 વર્ષ દરમ્યાન અન્ન સ્વાવલંબન પ્રાપ્ત કર્યું ત્યારબાદના 25 વર્ષમાં ઔદ્યોગિક ક્રાંતિ કરી અને છેલ્લા 25 વર્ષોથી અદ્યતન ટેક્નોલોજી ક્ષેત્રે વિકાસ કર્યો છે.
તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના સિદ્ધાંતને દરેક નાગરિકે અપનાવવા જણાવતા કીધું હતું કે જ્યાં જ્યાં અસ્વચ્છતા જણાય ત્યાં આપણે અવાજ ઉઠાવવો પડશે.
વધુમાં તેમણે ગુજરાત ચેમ્બર સમયાંતરે અમૃત મહોત્સવ વર્ષ દરમિયાન દિવ્યાંગ છાત્રો માટે અને અન્ય જનહિતને લગતા કાર્યક્રમોનું આયોજન કરશે તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ચેમ્બર ના હોદ્દેદારો , ચેમ્બરના સભ્યો અને સ્ટાફ સભ્યો હાજર રહ્યા હતા.