ગુજરાત “ઝીરો કેઝ્યૂઅલ્ટી” અભિગમ સાથે વાવાઝોડાનો સામનો કરવા કટિબદ્ધ: મુખ્યમંત્રી
ઓ અને દીવ-દમણના પ્રશાસક સાથે નવીદિલ્હી થી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંભવિત વાવાઝોડાની સ્થિતિના સામના માટે રાજ્યોના આયોજનની તલસ્પર્શી સમીક્ષા કરી
મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી સાથેની વીડીયો કોન્ફરન્સમાં સંભવિત વાવાઝોડાની સ્થિતિમાં ગુજરાતની પૂર્વ તૈયારીઓની સજજતાથી કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી ને માહિતગાર કર્યા
ગુજરાત રાજ્ય “ઝીરો કેઝ્યૂઅલ્ટી” અભિગમ સાથે “તાઉતે” વાવાઝોડાનો સામનોકરવા સજ્જ છે, તેમ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતું.
ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાથે સંવાદ સાધતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાની પરિસ્થિતિમાં ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં કોવીડગ્રસ્ત દર્દીઓને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે રાજ્ય સરકારે સુદ્રઢ આયોજન કર્યું છે અને વૈકલ્પિક વ્યવસ્થાઓ ઉભી કરી છે.
ભાવનગર શહેર અને જિલ્લાની કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવાર વગેરેની સમીક્ષ્રા માટે મુખ્યમંત્રીશ્રી ભાવનગ ની મુલાકાતે હતા..
ભાવનગર જિલ્લો પણ સંભવિત વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારમાં હોવાથી મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા તંત્રવાહકો સાથે આ સંભવિત વાવાઝોડા સામે આપદા પ્રબંધન અંગે વિગતવાર ચર્ચા હાથ ધરી તલસ્પર્શી વિગતો મેળવી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહે સંભવિત વાવાઝોડાથી અસર પામનારા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે નવીદિલ્હી થી યોજેલી વિડિયો કોન્ફરન્સ સમીક્ષા બેઠકમાં શ્રી વિજય ભાઈ રૂપાણી ભાવનગર કલેકટર કચેરી થી જોડાયા હતા
મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને ગુજરાતની સજજતા અંગે વાકેફ કરતા જણાવ્યું હતું કે, જો વાવાઝોડું ત્રાટકે તો ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં કોવીડ હોસ્પિટલોને “વીન્ડ પ્રૂફીંગ” બનાવવા માટેની તૈયારી સંદર્ભે જરુરી દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે
તેમણે ઉમેર્યું હતું કે જો સ્થિતિ વણસે તો તે સંજોગોમાં કોવીડના દર્દીઓને ધ્યાને લઈ કચ્છ, જામનગર, ભાવનગર સહિતના જિલ્લામાં 85 થી વધુ ICU એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
તેમણે વાવાઝોડના પગલે ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે કરાયેલા આગોતરા આયોજન વિષેની વિગતો આપતા કહ્યું કે, કોવીડ હોસ્પિટલમાં દર્દીઓને ઓક્સિજનનો અવિરત પુરવઠો મળી રહે તે માટે “ક્રિટિકલ રુટ” તૈયાર કરાયો છે તેમ જ બફર સ્ટોકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી દરિયો ખેડવા ગયેલા તમામ માછીમારો સહી સલામત પરત આવી ગયા હોવાની વિગતો આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એન.ડી.આર.એફ.ની 26થી વધુ ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીને એમ પણ જણાવ્યું કે વાવાઝોડા અંગે અગમચેતીના પગલારૂપે વનવિભાગ અને માર્ગ-મકાન વિભાગને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે અને રોડ રસ્તા પર વૃક્ષો પડી જાય તો તાત્કાલિક દૂર કરી કોમ્યુનિકેશન ઝડપથી પૂર્વવત કરવાની સૂચનાઓ આપી છે. તેમણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં લઈ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડને વીજ પુરવઠો ન ખોરવાય અને જો વીજ પુરવઠાને અસર પડે તો ત્વરાએ પૂર્વવત કરી દેવાની તાકીદ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું
આ વીડિયો કોન્ફરન્સ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી ઉદ્ધવ ઠાકરે અને દીવ-દમણના પ્રશાસક શ્રી પ્રફૂલ્લ પટેલ પણ જોડાયા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ વાવાઝોડાની સ્થિતિમાં વીજ અને ઓક્સિજનનો પુરવઠો વિક્ષેપરહિત મળી રહે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા સહિતના દિશા-સૂચનો કર્યા હતા. તેમણે વહીવટીતંત્રને સ્વૈચ્છીક સંગઠનો સાથે સહયોગ સાધવા પણ અનુરોધ કર્યો હતો.
આ સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, ગુજરાતના મુખ્ય સચિવશ્રી અનિલ મુકીમ અને મહારાષ્ટ્રના મુખ્ય સચિવ પણ ગૃહ મંત્રીશ્રી સાથેની આ વિડિયો કોન્ફરન્સ માં સહભાગી થયા હતા
આ ઉપરાંત મહિલા અને બાલ-કલ્યાણમંત્રી શ્રી વિભાવરીબહેન દવે, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, આરોગ્ય સચિવ શ્રી જ્યંતી રવિ પણ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી સાથે રહ્યા હતા.
જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરુણકુમાર બરનવાલા, ભાવનગર મ્યુનિસિપલ કમિશનરશ્રી એમ.કે.ગાંધી અને જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠૌર વેગેરે અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી આગોતરા આયોજનની વિગતો પૂરી પાડી હતી.