ગુજરાત ટુરીઝમ વિભાગમાં વિડીયોનુ કામ અપાવવાના બહાને રૂા.૪ લાખની છેતરપીંડી
૪ લાખના રોકાણ સામે ર૭ લાખનું વળતર અપાવવાનું કહી કામ ન અપાવ્યુ!
(એજન્સી) અમદાવાદ, ગુજરાત સરકારના ટુરીઝમ વિભાગમાં પ્રોજેક્ટના વિડીયોનું કામ અપાવવાના બહાને ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર યશ વૈદ્યેરૂા.૪ લાખ પડાવ્યા હોવાની વધુ એક ફરીયાદ પાલડી પોલીસમાં નોંધાવા પામી છે. જેેમાં ૪ લાખની સામે ર૭ લાખનું વળતર અપાવવાની બાંહેધરી અપાઈ હોવાનો આક્ષેપ કરાયો છે.
ફરીયાદ મુજબ મેમનગરની ભક્તિનગર સોસાયટીમાં રહેતો ધર્મ પાટડીયા (ઉ.વ.૩૧) અંજલી ચારરસ્તા પાસે આવેલા જાજ મ્યુઝીક એન્ડ સ્ટુડીયોમાં ચીફ માર્કેટીંગ ઓફિસર તરીકે કામ કરે છે. ફેબ્રુઆરીમાં ધર્મ કંપનીનના માર્કટીંગ માટે કીલ એન્ટરટેઈન્મેન્ટ અને હિપ્સ્ટર મીડીયાના માલિક તેમજ ફિલ્મ પ્રોડ્યુસર યશ વૈદ્યને તેમની આવનારી ર ગુજરાતી ફિલ્મના ઓનલાઈન પ્રમોશન માટે મળ્યો હતો.
ત્યારે યશે ધર્મને કહ્યુ હતુ કે ટુરીઝમ વિભાગના પ્રોજેેક્ટના વિડીયોનું કામ અપાવવાનું કહી ડીપોઝીટ પેટે રૂા.૩ લાખ અને ડીટીએસના ૧ લાખ આપવા પડશે. એવી વાત કરી હતી. આ સાથે જ ૪ લાખની સામે ર૭ લાખનું વળતર મળશે એવંું જણાવ્યુ હતુ. જેના લેખિત કરાર કરાયા હતા. અને યશ વૈદ્યને પૈસા આપ્યા હતા. છતાં યશે કામ ન અપાવી પૈસા પાછા નહીં આપીને છેતરપીડી કરી હતી. આથી આ અંગે ધર્મે યશ વૈદ્ય વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી.