ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીનો ૧૧મો પદવીદાન સમારંભ સાયન્સ સિટી ખાતે યોજાયો
અમદાવાદ, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ)નો ૧૧મો પદવીદાન સમારંભ આજરોજ તારીખ ૨૭ જાન્યુઆરીના રોજ વિજ્ઞાનભવન સાયન્સ સીટી ખાતે યોજાયો. આ પ્રસંગે ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ અને ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના ચાન્સેલર આચાર્ય દેવવ્રતજી, માનનીય રાજ્ય શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોર, પદવીદાન સમારંભના મુખ્ય અતિથિ અને ઝાયડસ કેડિલાના મેનેજીંગ ડિરેક્ટર પંકજભાઈ પટેલ, ડિપાર્ટમેન્ટ ઑફ ટેક્નિકલ એજ્યુકેશનના ચીફ સેક્રેટરી એસ. જે. હૈદર, જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ અને કુલસચિવ ડૉ. કે. એન. ખેર, બોર્ડ ઑફ ગવર્નન્સ અને એકેડમીક કાઉન્સિલના સભ્યો, ડિન અને એસોસિયેટ ડિન હાજર રહ્યા હતાં.
કુલસચિવ ડૉ. કે. એન. ખેર દ્વારા મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે ૧૧માં પદવીદાન સમારંભને ડિજીટલી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ દ્વારા જીટીયુનો વાર્ષીક અહેવાલ પણ રજૂ કરીને પદવી મેળવી રહેલા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
અતિથિ વિશેષ અને રાજ્ય શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરે આ પ્રસંગે જણાવ્યું હતું કે, જીટીયુ આયોજિત ૧૧માં વાર્ષિક પદવીદાન સમારંભનો એક ભાગ બનીને હું ખૂબ જ ખુશ છું.
આજરોજ આ ઉત્તમ અવસરે આપણા સૌના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીની યાદ કરવા જ રહ્યા. જ્યારે તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે રાજ્યમાં ટેક્નિકલ શિક્ષણને વ્યાપ વધે તે હેતુસર, વાઈબ્રન્ટ ગુજરાતના નારો આપીને રાજ્યમાં ટેક્નિકલ યુનિવર્સિટીના નિર્માણ માટેનું સ્વપ્ન સેવ્યું હતું. જે આજે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી રૂપી સોળે કલાએ ખીલેલું જાેવા મળી રહ્યું છે.
પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલ વાઈબ્રન્ટ ગુજરાતના નારાને ટેકનિકલ શિક્ષણ થકી જીટીયુ વિશ્વભરમાં સાર્થક કરી રહ્યું છે. રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી દ્વારા વર્ષ ૨૦૦૭માં ટેકનિકલ શિક્ષણ રૂપી જે બીજ રોપવામાં આવ્યા હતા, તે આજે સમગ્ર ગુજરાત, દેશ અને વિશ્વભરમાં વટવૃક્ષ બનીને ટેકનિકલ શિક્ષણનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યું છે.
જીટીયુ ન માત્ર ટેકનિકલ શિક્ષણ પરંતુ ઇનોવેશન અને રિસર્ચનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઇનોવેશન ક્ષેત્રે જીટીયુ હંમેશા અગ્રસ્થાને રહ્યું છે. વિશ્વ આખામાં કોરોના મહામારીને કારણોસર અનેક લોકોને આર્થીક સંકડામણનો સામનો કરવો પડ્યો છે.
પરંતુ જીટીયુની દૂરંદેશીથી કોરાનાકાળમાં પણ વિદ્યાર્થીઓને આ પ્રકારની સમસ્યાને સામનો કરવાનો વારો આવેલ નથી. આ કારણોસર જ ટૂંકાગાળાના સમયમાં પણ જીટીયુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નામના મેળવી છે. તાજેતરમાં જ રિસર્ચ અને ઈનોવેશનમાં જીટીયુ ઈનોવેશન કાઉન્સિલને વિવિધ એવોર્ડ પ્રાપ્ત થયા છે. હાલમાં જાપાન ખાતે આયોજીત ૧૮મી ઈન્ટરનેશનલ રોબોકોન સ્પર્ધામાં દ્વિતિય સ્થાન પર શ્રેષ્ઠ જજીસ એવોર્ડ મેળવીને રોબોટીક્સ ક્ષેત્રે પણ જીટીયુની રોબોટીક્સ ટીમે વિશ્વભરમાં દેશનું નામ રોશન કર્યું છે.
૧૧માં પદવીદાન સમારંભમાં જુદા-જુદા કોર્સના ૫૯૪૯૫ જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાંથી ૧૪૪ વિદ્યાર્થીઓને ગૉલ્ડ મેડલ તથા ૭૦ વિદ્યાર્થીઓને પી.એચ.ડીની ડિગ્રી એનાયત કરાઈ હતી. જીટીયુની પરંપરા મુજબ નવીન સાહસને પ્રોત્સાહન આપવા બાબતે રિઓલો હોલોગ્રાફિક્સ પ્રાઈવેટ લિમિટેડના માલવ શાહને શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ કર્તા માટેનો આ વર્ષેનો ગૉલ્ડ મેડલ આપીને સન્માનવામાં આવ્યા છે.HS