ગુજરાત પોલીસના કુલ ૨૪૩૪૩ અધિકારીઓ, કર્મચારીઓ તથા ૮૫૯૧ પોલીસ પરિવારના સભ્યોની તબીબી ચકાસણી પૂર્ણ કરવામાં આવી
અમદાવાદ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યના લોકોની આરોગ્ય સુખાકારી માટે બિનચેપી રોગો અને બીમારીઓના સ્ક્રીનીંગથી સારવાર સુધીના મહાઅભિયાન નિરામય ગુજરાત અભિયાનનો તા.૧૨-૧૧-૨૦૨૧થી શુભારંભ કરવામાં આવેલ છે.
આ સંદર્ભે રાજ્યના આરોગ્ય વિભાગના કમિશનર દ્વારા એક ખાસ પરિપત્ર બહાર પાડીની રાજ્યના તમામ પોલીસ કર્મચારીઓને પણ આ અભિયાનથી લાભાન્વિત કરવા માટે તમામ પોલીસ કર્મચારીઓનું પણ તેમની ફરજના એકમ ખાતે આરોગ્ય કેમ્પ રાખીને હેલ્થ ચેકઅપ કરાવવા જણાવવામાં આવેલ છે.
આ અભિયાનમાં નિષ્ણાંત તબીબી અધિકારીઓ દ્વારા સ્ક્રીનીંગ, લોહીની તમામ તપાસ માટે લેબોરેટરી, નિરામય આરોગ્ય કેમ્પના સ્થળ ઉપર મોબાઈલ ડેન્ટલ વાન વગેરેની સુવિધા ઉપલબ્ધ રાખીને કેમ્પમાં નિદાન, સારવાર, દવા વિતરણ તેમજ અન્ય તમામ સુવિધાઓ વિના મૂલ્યે પુરી પાડવામાં આવે છે.
નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત રાજ્ય પોલીસ વડા આશીષ ભાટીયા દ્વારા તમામ પોલીસ યુનીટના વડાઓને આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી નિરામય આરોગ્ય કેમ્પનું આયોજન કરવા સુચના આપવામાં આવી હતી.
જેના અનુસંધાને રાજ્ય પોલીસ તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ પોલીસ પરિવારના સભ્યોની તબીબી ચકાસણી માટે જે-તે જીલ્લા-શહેર-યુનિટ ખાતે નિરામય આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં કુલ ૨૪૩૪૪૩ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓએ તથા કુલ-૮૫૯૧ પોલીસ પરિવારના સભ્યોએ તબીબી ચકાસણી થયેલ છે. જેમાં ખાસ કરીને અમદાવાદ શહેર-૮૫૫૦, સુરત શહેર-૫૨૨૧, ભરૂચ જીલ્લા-૧૪૪૬, ગાંધીનગર જીલ્લા-૯૩૪, બનાસકાંઠા જીલ્લા-૧૨૩૧ હેલ્થ ચેકઅપ થયેલ છે.
હજુ પણ તમામ જીલ્લા-શહેરમાં તમામ પોલીસ કર્મચારીઓ તથા તેમના પરિવારજનોની આરોગ્ય ચકાસણી કરાવવા અને શહેરમાં તમામ પોલીસ કર્મચારીઓ તથા તેમના પરિવારજનોની આરોગ્ય ચકાસણી કરાવવા અને સરકારની સુચના અનુસાર નિયત કરેલ સમયે નિરામય આરોગ્ય કેમ્પનું આયોજન કરી બાકી રહેલ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ તથા પોલીસ પરિવારના સભ્યોની તબીબી ચકાસણી પૂર્ણ કરવા રાજ્ય પોલીસ વડા તમામ એકમોના પોલીસ વડાઓને આદેશ આપવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે જે પોલીસ કર્મચારીઓ કોરોના વેક્સીનના ત્રીજા ડોઝ માટે લાયક છે તે તમામને પણ તાત્કાલિક બુસ્ટર ડોઝ આપવા ઘટતું કરવા પણ તમામ એકમોના વડાઓને સૂચના આપવામાં આવેલ છે.