ગુજરાત પોલીસને હવે અલગ ચિન્હ તેમજ ધ્વજ અર્પિત થયો
અમદાવાદ: ગુજરાત પોલીસ માટે બહુ ગૌરવવંતો અને ઐતિહાસિક દિન બની રહ્યો હતો. આજે તા.૧૫ મી ડિસેમ્બરે ગાંધીનગર પાસે આવેલી ગુજરાત પોલીસ કરાઈ એકેડમીમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તે પ્રેસિડેન્ટ્સ કલર્સનું સન્માન ગુજરાત પોલીસને અપાયું હતું. આ સાથે જ ગુજરાત પોલીસને પોતાનો અલાયદો ધ્વજ અને ચિન્હ મળ્યું છે. ગુજરાત પોલીસને વિશેષ કાર્યક્રમમાં આ સન્માન આપવામાં આવ્યું હતું. સમગ્ર પોલીસ તંત્રમાં આ ગૌરવવંતા સન્માનને લઇ ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી.
પ્રેસિડેન્ટ્સ કલર્સ નિશાન એ પોલીસ દળની શ્રેષ્ઠતા અને ગૌરવનું દેખીતું પ્રતિક છે. નિશાન એ રાષ્ટ્રની સેવામાં કોઈ પણ ફોર્સ દ્વારા બહાદુરીથી કરેલી કાર્ય અને રાષ્ટ્રની સેવામાં આપેલા યોગદાનની સાક્ષી આપે છે. ત્યારે આજે ગુજરાત પોલીસ દળ આ સન્માનથી સન્માનિત થતું ૭મું રાજ્ય અને સાથે જ દેશનું ૮મું મોટું પોલીસ દળ બન્યું છે.
અત્યાર સુધી મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, જમ્મુ-કાશ્મીર, ત્રિપુરા અને આસામ રાજ્યના પોલીસને આ સન્માન મળ્યું છે. પોલીસ એકેડેમી, કરાઇ, ગાંધીનગર ખાતે યોજાયેલી સેરેમોનિયલ પરેડમાં ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ દ્વારા ગુજરાત પોલીસને પ્રેસિડેન્ટ્સ કલર્સ નિશાન એનાયત કરાયા હતા. આ કાર્યક્રમમાં ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવેલા ધ્વજ અને વિશેષ પ્રતિક ગુજરાત પોલીસને ઉપરાષ્ટ્રપતિએ એનાયત કર્યો હતો. રાજ્યની રચના સમયે બોમ્બે રાજ્યની જિલ્લા પોલીસ, સૌરાષ્ટ્ર અને કચ્છની પોલીસનું વિલીનીકરણ કરીને ગુજરાત પોલીસની રચના કરવામાં આવી હતી.
ગુજરાત પોલીસમાં આજે ૮૪૪૭૬ શહેર અને જિલ્લા પોલીસ, ૨૨૩૭૫ હથિયારી પોલીસ મળીને આશરે ૧,૦૬,૮૩૧ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે. ગુજરાત પોલીસ દેશનું આઠમા ક્રમનું મોટું પોલીસ દળના રૂપમાં ઉભર્યું છે. ગુજરાત પોલીસની ૫૮ વર્ષની યાત્રા દરમિયાન સંગઠિત અપરાધ, આર્થિક અપરાધ અને આતંકવાદ જેવા કેટલાક પડકારોનો સફળતાપૂર્વક સામનો કર્યો છે.
આધુનિક હથિયારો, સંદેશા વ્યવહાર વ્યવસ્થા, જુદાજુદા પ્રકારના વાહનો, સુરક્ષા સંબંધી સાધનસામગ્રીઓ, અપરાધિક બનાવોની તપાસ માટેના સાધનો, રાયોટ કંટ્રોલ અને નાગરિકોને સુરક્ષા સબંધી સેવા પુરી પાડવા જરૂરી અન્ય પરિબળોથી સુસજ્જ છે. ભારત સરકાર તથા ગુજરાત સરકારની સહાયથી પોલીસ આધુનિકરણ યોજના હેઠળ તકનીકી સાધનો હેઠળ આવરી લઈ ગુજરાત પોલીસ કામગીરીમાં સુધારો લાવી છે. ઉલ્લેખનીય છે કે, પ્રેસિડેન્ટ્સ કલર્સ માટેની પ્રપોઝલ ગુજરાત સરકારના ગૃહ વિભાગે તા.૨૧ મી ફેબ્રુઆરી, ૨૦૧૯ ના રોજ ભારત સરકારના ગૃહ મંત્રાલયને મોકલવામાં આવી હતી. તા.૭મી માર્ચ, ૨૦૧૯ના રોજ ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિના નિશાનનો એવોર્ડ એટલે કે પ્રેસિડેન્ટ્સ કલર્સ એનાયત અંગે જાણ કરવામાં આવી હતી.