ગુજરાત પોલીસનો હિસ્સો બનેલા બેલ્જીયમ મલિનો શ્વાન પ્રથમ વખત પરેડ કરશે
આલેખન – દર્શન ત્રિવેદી
દાહોદમાં થનારી ૭૨માં પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં પોલીસ તંત્રનું શ્વાનદળ પણ આકર્ષણનું કેન્દ્ર છે. તા. ૨૬મીની પરેડમાં વિવિધ જાતિના ૩૦ શ્વાન ભાગ લઇ પોતાના કરતબોની પરિચય કરાવશે. આ શ્વાન તેના પાલક માસ્ટર સાથે હાલમાં નવજીવન કોલેજના મેદાનમાં મહાવરો કરી રહ્યા છે.
ગુજરાત પોલીસના અમદાવાદ ખાતેના તાલીમ કેન્દ્રમાંથી પરેડ માટે ખાસ ૩૦ શ્વાનોને પસંદ કરવામાં આવ્યા છે. શ્વાન તાલીમ કેન્દ્રમાં પોલીસના સાથી પ્રાણીઓને સ્નિફિંગ, ટ્રેકિંગ, ઓબિડિઇન્ગની તાલીમ આપવામાં આવી છે.
દાહોદ ખાતે પાંચ કૂળના શ્વાનોને લાવવામાં આવ્યા છે. તેમાં લેબ્રેડોર, ડોબરમેન, જર્મન શેફર્ડ, બિગલ અને બેલ્જીયમ મલિનોનો સમાવેશ થાય છે. શ્વાનની આ પ્લાટૂનમાં બેલ્જીયમ મલિનો અને બિગલ ધ્યાન ખેંચે છે. ટોય ગ્રુપમાં આવતા બિગલ પ્રકારના શ્વાન કદમાં નાના હોય છે. પણ, તેની સુંઘવાની શક્તિ ગજબની હોય છે. તે પોલીસ તંત્રમાં મુખ્યત્વે વિસ્ફોટકો અને નશીલા પદાર્થને સુંઘીને શોધી કાઢવાનું કરે છે.
શ્વાનને મુખ્યત્વે સાત સમુહમાં વહેંચવામાં આવે છે. જેમાં હર્ડિંગ, સ્પોર્ટિંગ, નોન સ્પોર્ટિંગ, વર્કિંગ, હોન્ડ, ટેરિયર્સ અને ટોય બ્રિડ હોય છે. કૂતરાઓના કદ, તેની કામ કરવાની શક્તિ, કદ, ઉંચાઇ અને પ્રદેશના આધારે આ સમુહમાં વહેચવામાં આવે છે.
બેલ્જીયમ મલિનો જાતિના શ્વાન પ્રથમ વખત જ ગુજરાત પોલીસના હિસ્સો બન્યા છે. તે અન્ય પ્રજાતિના શ્વાન કરતા વધુ મજબૂત, સ્ફૂર્તિવાળા હોય છે. ગુજરાત પોલીસ દ્વારા હૈદરાબાદ અને દિલ્હીના બ્રિડર્સ પાસેથી રૂ. ૭૦ હજાર જેટલી કિંમતથી બેલ્જીયમ મલિનોની ખરીદી કરવામાં આવી છે. આ કૂતરા હુમલો પણ સારી રીતે શકે છે. ગમે તેવા વાતાવરણમાં સારી કામ કરી શકે છે. બાકીના કૂતરા થોડી ગરમીમાં હાંફી જાય છે.
હેડ કોન્સ્ટેબલ નાનુભા જાડેજા કહે છે, ગુજરાત પોલીસના જર્મન શેફર્ડ અને ડોબરમેન મુખ્યત્વે ટ્રેકિંગનું કામ કરે છે. એટલે કે, ચોરી કે કોઇ હત્યાના બનાવવાળા સ્થળે જે શ્વાનની હાજરી જોવા મળે તે આ પ્રકારના હોય છે. તે ગુનેગારનું પગેરૂ શોધે છે. લેબ્રેડોર પ્રકારના શ્વાન પાસેથી વિસ્ફોટકો શોધવાની કામગીરી લેવામાં આવે છે.
પરેડના દિવસે આ શ્વાનદળ દ્વારા વિસ્ફોટકો શોધવા, જમ્પિંગ, નશીલા પદાર્થ શોધવા, સેલ્યુટિંગ સહિતના કરતબો કરવામાં આવશે.