ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંઘનો સુવર્ણ જયંતિ મહોત્સવ યોજાયો
ગુજરાતની ૪૦૦ જેટલી બજાર સમિતિઓ ખેડૂતો અને વહેપારીઓ વચ્ચે સેતુ રૂપ બનીને ૩૫૦૦૦ કરોડ રૂપિયાની કૃષિ પેદાશોનું વાર્ષિક ખરીદ વેચાણ કરે છે: સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ..
વડોદરા સહકાર રાજ્ય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલની ખાસ ઉપસ્થિતિમાં સયાજીપૂરા માર્કેટ યાર્ડ ખાતે ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંઘનો સુવર્ણ જયંતિ મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે સંઘના સંનિષ્ઠ સેવકોનું બહુમાન કરવામાં આવ્યું હતું.
સહકારમંત્રીશ્રીએ 1962માં સંઘની સ્થાપના કરનારા વલ્લભભાઈ શાહને યાદ કરતા જણાવ્યું હતું કે 174 બજાર સમિતિ કર્મચારીઓથી શરૂ થયેલા આ સંઘના આજે 4000 કર્મચારી સદસ્યો છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતની બજાર સમિતિઓએ ખેડૂતો અને વહેપારીઓને જોડતી સંપર્ક કડી બનવાનું કામ કર્યું છે. આજે રાજ્યની 400 જેટલી બજાર સમિતિઓ માધ્યમથી વાર્ષિક 35000 કરોડ રૂપિયાની ખેત પેદાશોના ખરીદ વેચાણનું કામ થાય છે. સમિતિઓ સેશના રૂપમાં વાર્ષિક 350 કરોડની આવક થાય છે જેનો ઘણો મોટો હિસ્સો લોક કલ્યાણના કામો માટે ઉપયોગમાં લેવાય છે.
તેમણે જણાવ્યું કે સરકાર બજાર સમિતિ કર્મચારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે સકારાત્મક અભિગમ ધરાવે છે. તેમણે સંઘ સદસ્યો નવા જમાનાની માંગ પ્રમાણે કાર્ય વ્યવસ્થાઓમાં નવા નવા સુધારાઓ કરે અને સુવિધાઓ વધારી સમિતિઓની કામગીરી વધુ સબળ બનાવે એવો અનુરોધ કર્યો હતો અને શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે કર્મચારી સંઘના પદાધિકારીઓ, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, સહકાર ખાતાના અધિકારીઓ, રાજ્યભરમાંથી બજાર સમિતિઓ સચિવો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.