ગુજરાત બજેટ : સરકારે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7,423 કરોડ ફાળવ્યા

File
ગાંધીનગર : આજથી શરૂ થઇ રહેલા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનાં પ્રથમ દિવસે નાણામંત્રી નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યુ હતું. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ રાજ્ય સરકારે નારાજ ખેડૂતો, બેરાજગારોથી માંડીને સામાન્ય જનતાને ખુશ કરવા ફૂલગુલાબી બજેટ રજૂ કર્યુ હતું. સરકારે આ બજેટમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 7,423 કરોડની જોગવાઈ કરી છે. ઉપરાંત ખેડૂતોને વગર વ્યાજે પાક ધિરાણ મળે તેના માટે 1,000 કરોડની જોગવાઈ કરી છે. નાણા મંત્રી નીતિન પટેલે બજેટમાં વિવિધ યોજનાઓ અને સહાયતાની રકમની જાહેરાત કરી હતી.
વર્ષ 2020 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. સરકારે સિંચાઇ માટેની સુવિધાઓ, વિના વ્યાજે પાક ધિરાણ, પાક વીમાં, બિયારણ, ખેત ઓજારો અને ખાતરની ખરીદીમાં સહાય, પાક-ઉત્પાદનોની ટેકાના ભાવ ખરીદી જેવી અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. અણધારી કુદરતી આફતો સમયે પણ અમે જગતના તાતની પડખે અડીખમ ઊભા રહ્યા છીએ. આમ, ખેડૂત કલ્યાણની વાત આવે ત્યારે અમારી સરકાર વાવણીથી વેચાણ સુધીના દરેક તબક્કા ખભેથી ખભા મિલાવીને ખેડૂતોની સાથે રહી છે.