ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી ખાતે “કારકિર્દીના માર્ગો” પર કાર્યક્રમ યોજાયો
સમગ્ર ભારતમાંથી ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં સહભાગી થયા
ગાંધીનગર, ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી (જીબીયુ), વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ગુજરાત રાજ્ય ખાતે બાયોટેકનોલોજીમાં એમ.એસ.સી. કરવા ઈચ્છતા સ્નાતક વિદ્યાર્થીઓ માટે ૩ જુન, ૨૦૨૨ના રોજ “બાયોટેકનોલોજીમાં કારકિર્દીના માર્ગો” પર ઓપન ડે ઈવેન્ટનું સફળતાપૂર્વક ઓનલાઈન તથા ઓફલાઈન આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓએ સહભાગી થઈ શિક્ષણ અને ઉદ્યોગજગતના નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતુ.
આ મેગા ઈવેન્ટમાં ટોચની શૈક્ષણિક સંસ્થાઓ અને અગ્રણી વૈશ્વિક બાયોટેકનોલોજીકલ ઉદ્યોગોના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો એકમંચ થયા હતા. વિદ્યાર્થીઓએ જીબીયુ અને યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ, યુકે વચ્ચે બાયોટેકનોલોજી સંશોધન, કારકિર્દીના વિવિધ માર્ગો અને વિદ્યાર્થી વિનિમય કાર્યક્રમો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી, ફેકલ્ટી સભ્યોએ જીબીયુના વિવિધ અભ્યાસક્રમ, શિક્ષણ શાસ્ત્ર અને સંશોધન ક્ષેત્રો પર માહિતી પૂરી પાડી હતી.
આ ઇવેન્ટને વિદ્યાર્થીઓ અને સહભાગીઓ દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.વિદ્યાર્થીઓએ જીબીયુ ખાતે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બાયોટેકનોલોજી લેબોરેટરીની મુલાકાત લીધી હતી.લેવાની કાર્યક્રમમાં બાયોટેક્નોલોજીને લગતા કોર્સમાં સ્નાતક થયેલ વિદ્યાર્થીઓને જી. બી. યુ. ખાતે ચાલતા બાયોટેક્નોલોજીના અનુસ્નાતક કોર્સ વિશે માહિતગાર કરાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮માં સ્થપાયેલ ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી નવીનતા કેન્દ્રિત યુનિવર્સિટી છે, જે સામાજિક પડકારોને સંબોધવા માટેના સંશોધન આધારિત અનુસ્નાતક અને ડૉક્ટરલ અભ્યાસક્રમો ચલાવે છે. જી.બી.યુ.એ યુનિક અભ્યાસક્રમ અને અનુવાદાત્મક સંશોધન વિકસાવવા માટે યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ, યુકે સાથે ભાગીદારી પણ કરી છે. ઋચા રાવલ/ ધ્રુવી ત્રિવેદી