ગુજરાત બિનઅનામત નિગમ દ્વારા હજારો વિદ્યાર્થીઓને સહાય
અમદાવાદ: ગુજરાત બિનઅનામત નિગમે ચાલુ વર્ષે ૧૪૯ કરોડ રૂપિયા લાભાર્થીઓને આપ્યા છે. આના માટે ૨૨૭૯૧ વિદ્યાર્થીઓએ લાભ લીધો છે. જુદી જુદી સહાય અને યોજના પેટે આ રકમની ચુકવણી કરવામાં આવી છે.
ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની એક બેઠક ચેરમેન બીએચ ઘોડાસરાની અધ્યક્ષતામાં હાલમાં જ મળી હતી. આ બેઠકમાં આયોગના ચેરમેન હંસરાજ ગજેરા સહિતના ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય બિનઅનામત આયોગ અને નિગમ ઓક્ટોબર ૨૦૧૭માં બનાવવામાં આવી ત્યારબાદથી આશરે ૨૦૦ કરોડ રૂપિયા નિગમ દ્વારા લાભાર્થીઓને નવેમ્બર ૨૦૧૯ સુધીમાં આપવામાં આવ્યા છે. ૨૦૧૯ના હિસાબી વર્ષની વાત કરવામાં આવે તો નવેમ્બર માસ સુધીમાં ૨૨૭૯૧ વિદ્યાર્થીઓને લગભગ ૧૪૯ કરોડની સહાયતા જુદી જુદી યોજનાઓ અંતર્ગત બેંક ખાતામાં સીધીરીતે જમા કરવામાં આવી છે.
સામાજિક ઉત્થાનનું મહત્વનું કાર્ય રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને અન્ય રાજ્ય સરકારના તમામ હોદ્દેદારોના સહકારથી કરવામાં આવ્યું છે. નિગમ દ્વારા માર્ચ ૨૦૨૦ સુધીમાં ૫૦ કરોડની આસપાસ લાભાર્થીઓને સહાય અપાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. નિગમની બેઠકમાં ઉપાધ્યક્ષ વિમલ ઉપાધ્યાયે લાભાર્થીઓને વધુ લાભ આપવા માટેની આગામી દિવસોમાં વિશેષ જાગવાઈ હિમાયત કરી હતી.
નિગમના ડિરેક્ટરો જગદીશ ભાવસાર, રુપિન પચ્ચીગર, કરણસિંહ ચાવડા, અમીબેન પરીખ, હિમાંશુભાઈ ખમારે રાજ્ય સરકારના સહયોગ થકી સમાજના જરૂરિયાતમંદ પરિવાર સુધી પહોંચવા માટેનો સંકલ્પ કર્યો હતો. ભોજન સહાય, કોચિંગ, સ્પર્ધાત્મક પરિક્ષા સહાય, વિદેશ અભ્યાસ લોન, શૈક્ષણિક અભ્યાસ લોન, સ્વરોજગાર લોન, કોમર્શિયલ પાયલોટ લોન માટેની રકમ ચુકવવામાં આવી છે.
ભોજન સહાય પેટે ૧૪૬૮.૩૨ લાખ રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે. આના માટે ૧૨૫૫૬ જેટલી અરજીઓ આવી હતી. આવી જ રીતે સ્પર્ધાત્મક પરીક્ષા સહાય માટે ૪૮૫૩ જેટલી અરજીઓ આવ્યા બાદ ૮૯૭.૪૨ લાખ રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે. વિદેશ અભ્યાસ લોન માટે ૭૧૪ જેટલી અરજીઓ આવી હતી જે પૈકી ૧૦૩૧૭.૯૧ લાખની સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.