Western Times News

Gujarati News

ગુજરાત બોર્ડના ધોરણ-૧૨ સાયન્સનું ૭૨ ટકા પરિણામ

પ્રતિકાત્મક

અમદાવાદ, માર્ચ ૨૦૨૨માં ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરી દેવાયું છે. ૨૦૨૧માં માસ પ્રમોશન આપ્યા બાદ લેવાયેલી આ પરીક્ષામાં ૭૨ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.

આ વર્ષે ગુજરાતી તેમજ ઈંગ્લિશ મીડિયમનું પરિણામ લગભગ સરખું રહ્યું છે, તેમજ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓના પરિણામમાં પણ ખાસ તફાવત જાેવા નથી મળી રહ્યો. ૨૦૨૨માં કુલ ૧,૦૬,૩૪૭વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાં ૯૫,૩૬૧ રેગ્યુલર સ્ટૂડન્ટ્‌સ હતા, તેમાંથી ૬૮,૬૮૧ પાસ થયા છે.

સૌથી વધુ પરિણામ લાઠી સેન્ટરનું આવ્યું છે જ્યાં ૯૬.૧૨ ટકા વિદ્યાર્થી પાસ થયા છે, જ્યારે ૩૩.૩૩ ટકા પરિણામ સાથે લીમખેડા સેન્ટર સૌથી છેલ્લું રહ્યું છે.

જિલ્લાનુસાર પરિણામ જાેઈએ તો રાજકોટ જિલ્લો ૮૫.૭૮ ટકા સાથે પહેલા જ્યારે ૪૦.૧૯ ટકા સાથે દાહોદ જિલ્લો છેલ્લા ક્રમેર રહ્યો છે. બોર્ડ દ્વારા સવારે દસ વાગ્યે ઓનલાઈન પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું હતું, જે તેની સત્તાવાર વેબસાઈટ https://www.gseb.org/પરથી જાેઈ શકાશે.

ધોરણ ૧૨ સાયન્સમાં રાજ્યની ૬૪ સ્કૂલો સો ટકા પરિણામ લાવી છે, જ્યારે ૧૦ ટકાથી ઓછું પરિણામ ધરાવતી સ્કૂલોની સંખ્યા ૬૧ થાય છે. આ પરીક્ષામાં કુલ ૧૯૬ વિદ્યાર્થીઓ છ૧ ગ્રેડ લાવવામાં સફળ થયા છે, જ્યારે છ૨ ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૩,૩૦૩ થાય છે.

ગ્રુપ અનુસાર પરિણામ પર નજર કરવામાં આવે તો એ ગ્રુપનું સૌથી વધુ ૭૮.૪૦ ટકા, બી ગ્રુપનું ૬૮.૫૮ ટકા અને એબી ગ્રુપનું ૭૮.૩૮ ટકા પરિણામ આવ્યું છે. આ સિવાય ઈંગ્લિશ મીડિયમનું પરિણામ ૭૨.૫૭ અને ગુજરાતી મીડિયમનું પરિણામ ૭૨.૦૪ ટકા રહ્યું છે.

આ વર્ષે છોકરા-છોકરીઓના પરિણામમાં પણ ખાસ ફરક નથી. વિદ્યાર્થિનીઓનું પરિણામ ૭૨.૦૫ જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ ૭૨ ટકા રહ્યું છે.

વિષયવાર પરિણામ પર નજર કરવામાં આવે તો ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજનું પરિણામ ૧૦૦ ટકા રહ્યું છે, જ્યારે કેમેસ્ટ્રીમાં સૌથી વધુ વિદ્યાર્થી નાપાસ થયા છે.

કેમેસ્ટ્રીમાં ૧,૦૪,૪૫૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૭૧,૯૦૪ પાસ થયા છે. જ્યારે ફિઝિક્સમાં ૧,૦૪,૧૨૯માંથી ૭૨,૦૪૧ વિદ્યાર્થી પાસ થયા છે. બાયોલોજીમાં ૬૫,૧૧૮માંથી ૫૨,૭૨૫ વિદ્યાર્થી પાસ થયા છે. આ વર્ષે એક વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૯૪૦ થાય છે, જ્યારે બે વિષયમાં ૯,૪૬૦ અને ત્રણ વિષયમાં ૧૦,૯૧૧ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.