ગુજરાત બોર્ડની પરીક્ષામાં પણ હવે ઉત્તરવહીઓનું ચેકિંગ ઓનલાઈન થશે
ગુજરાત શિક્ષણ બોર્ડની ડિજિટલાઈઝેશન તરફ વધુ એક પહેલ-બોર્ડ દ્વારા પ્રાયોગિક ધોરણે કોઈ એક ધોરણમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓની આન્સરસીટનું સ્કેનિંગ કરી ઈ-એસેસમેન્ટ થશે
અમદાવાદ, ગુજરાત શિક્ષણ બોર્ડ પણ હવે ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષામાં ઉત્તરવહીઓનું ચેકિંગ ઓનલાઈન કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે અને બોર્ડ ડિજિટલાઈઝેશન તરફ વધુ એક પહેલ કરતાં આગામી બોર્ડ પરીક્ષાથી ઓનલાઈન એસેસમેન્ટ કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. જે માટે હાલ ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.
ઉચ્ચ શિક્ષણમમાં હાલ જીટીયુ સહિતની કેટલીક યુનિ.ઓ દ્વારા પરીક્ષાઓ બાદ ઓનલાઈન એસેસમેન્ટ કરાવવામાં આવે છે. ઓનલાઈન એસેસમેન્ટમાં ઉત્તરવહીઓનું સ્કેનિંગ કરીને જે તે વિષયના શિક્ષકોને કોમ્પ્યુટરાઈઝ ઉત્તરવહીઓની કોપી મોકલી દેવાય છે અને શિક્ષકો દ્વારા એસેસમેન્ટ કર્યા બાદ તેના સ્કોરિંગની પ્રક્રિયા પણ ઓનલાઈન કરવામાં આવે છે.
આમ તમામ ડેટા કોમ્પ્યુટરાઈઝ રહે છે. હવે સ્કૂલોની બોર્ડ પરીક્ષામાં પણ આ પદ્ધતિ શરૂ થવા જનાર છે. ગુજરાત શિક્ષણ બોર્ડ પણ હવે ઓનલાઈન એસેસમેન્ટની દિશામાં આગળ વધી રહ્યું છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ૨૦૨૧ની બોર્ડ પરીક્ષાને લઈને એસેસમેન્ટ સર્વિસ માટે ટેન્ડર પણ કરવામાં આવ્યું છે અને જેમાં એજન્સી પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવી છે.
ગુજરાત બોર્ડ દ્વારા હાલ પ્રાયોગિક ધોરણે સૌથી ઓછા વિદ્યાર્થી હોય તેવા કોઈ એક ધારેણની બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓનું સ્કેનિંગ કરી ઓનલાઈન એસેસમેન્ટ કરાશે. હાલ બોર્ડ દ્વારા પરીક્ષા બાદ રાજ્યના વિવિધ ઝોનમાં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોમાં ઉત્તરવહીઓના બંડલો ગાડીઓમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલાય છે અને દરેક કેન્દ્રોમાં શિક્ષકો રૂબરૂ જઈને ઉત્તરવહીઓ તપાસી તેના માર્કસ પણ મેન્યુઅલી મુકે છે અને ત્યારબાદ તેમાંથી પરિણામનો કોમ્પ્યુટરાઈઝ ડેટા તૈયાર કરાય છે.
પરંતુ ઓનલાઈન એસેસમેન્ટમાં ઉત્તરવહીઓનું સ્કેનિંગ કરી શિક્ષકોને તપાસવા મોકલી દેવાશે અને જેમાં દરેક શિક્ષકને યુઝરઆઈડી અપાશે ત્યારબાદ શિક્ષકો કોમ્પ્યુટરાઈઝ રીતે ચેકિંગ કરી માર્કસ પણ કોમ્પ્યુટરાઈઝ રીતે મુકી દેશે.
ઉપરાંત બોર્ડ દ્વારા શરૂ થનારી નવી એસેસમેન્ટ પદ્ધતિમાં ઉત્તરવહીઓના પેજ અલગ કર્યા વગર જ અને ઉત્તરવહીઓને કોઈપણ રીતે નુકશાન થાય તે રીતે એક સાથે બે પેજનું સ્કેનિંગ થાય તે રીતે પ્રક્રિયા કરવામાં આવશે.
અગાઉ ગુજરાત બોર્ડ દ્વારા ઓનલાઈન પરિણામ જાહેર કરવાથી માંડી ડુપ્લિકેટ માર્કશીટ સહિતની તમામ સર્વિસ પણ ઓનલાઈન કરી દેવાઈ છે ત્યારે હવે ઓનલાઈન એસેસમેન્ટ એ ગુજરાત બોર્ડનું સંપૂર્ણ ડિજિટલાઈઝેશન તરફનું વધુ એક મોેટું પગલું છે.
ઓનલાઈન એસેસમેન્ટથી શિક્ષકોને વિવિધ સ્થળે બોલાવવા નહીં પડે જેથી સમય અને નાણાંની બચત થવા સાથે ઉત્તરવહીઓ સાથે ચેડા થવાથી માંડી ખોવાઈ જવા સહિતની સમસ્યાઓથી પણ છૂટકારો મળશે અને વધુ પારદર્શિતા આવશે અને ઉત્તરવહીઓની સાચવણી પણ સારી રીતે થશે.