ગુજરાત બોર્ડે ધોરણ ૧૦-૧૨ પરીક્ષાની તૈયારી શરૂ કરી, મે મહિનામાં પ્રારંભ થશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/12/exam-1024x576.jpg)
પ્રતિકાત્મક
અમદાવાદ: ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના દેશના ઘણા રાજ્યોમાં કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધ્યા છે અને હાલ સમગ્ર દેશમાં ૧ લાખથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે, ત્યારે હવે એક મહિના બાદ જ સેન્ટ્રલ બોર્ડની અને ગુજરાત બોર્ડની ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષા શરૃ થનાર છે. પરંતુ સીબીએસઈ દ્વારા હજુ સુધી પરીક્ષા મોકુફ કરવામા આવી નથી અને કરાશે તેવી પણ કોઈ જાહેરાત કરાઈ નથી ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા બોર્ડ પરીક્ષાની તૈયારીઓ શરૃ કરી દેવાઈ છે. બોર્ડ દ્વારા પણ હાલના તબક્કે રાબેતા મુજબ જ પરીક્ષા લેવાશે તેવુ આયોજન છે.
સીબીએસઈની ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષા સમગ્ર દેશમાં ૪મેથી શરૃ થનાર છે. પરંતુ વધતા કોરોના સંક્રમણ વચ્ચે પરીક્ષાઓ લેવાશે કે કેમ તેને લઈને હાલ સ્કૂલો, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા ફેલાઈ છે. પરંતુ હજુ સુધી સીબીએઈસી દ્વારા પરીક્ષાઓ મોકુફ કરવાનો કે પાછી ઠેલવાનો કોઈ ર્નિણય લેવાયો નથી. આ અંગે કેન્દ્ર સરકારે પણ કોઈ જાહેરાત કરી નથી.
આ અંગે સીબીએસઈના સેક્રેટરીનું કહેવુ છે કે બોર્ડની પરીક્ષાઓ મોકુફ કરવા અંગે હાલના તબક્કે કોઈ ર્નિણય લેવાયો નથી અને હાલના આયોજન મુજબ રાબેતા મુજબ થશે. આગળ સ્થિતિ મુજબ ર્નિણય લેવાશે તો જાહેર કરવામા આવશે.
મહત્વનું છે કે સીબીએસઈ દ્વારા પરીક્ષા મોકુફ કરવામા આવી ન હોવાથી ગુજરાત બોર્ડે પણ પરીક્ષાની તૈયારી શરૃ કરી છે. ગુજરાત બોર્ડની ધો.૧૦-૧૨ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા ૧૦મેથી શરૃ થનાર છે અને ધો.૧૦-૧૨ સાયન્સ અને ૧૨ સા.પ્ર.ના ૧૮ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે ત્યારે કોરોના વચ્ચે પરીક્ષાને લઈને હાલ ભારે અસમંજસતા વ્યાપી છે.
વાલી મંડળે પરીક્ષા પાછી ઠેલવા પણ માંગ કરી છે. પરંતુ સરકારનું હાલ પરીક્ષા મોકુફ કરવાનું કોઈ આયોજન ન હોઈ કોઈ જાહેરાત કરવામા આવી નથી. આમ તો હજુ પરીક્ષાને એક મહિનો બાકી છે અને બોર્ડ પરીક્ષા પહેલેથી માર્ચને બદલે મેમાં લેવાતા બે મહિના મોડી થઈ રહી છે, ત્યારે હવે જાે વધુ પરીક્ષાઓ પાછી ઠેલાય તો પરિણામો મોડા થવા સાથે પ્રવેશ પ્રક્રિયાને ખૂબ જ મોટી અસર થાય તેમ છે.
હાલ તો સરકારે મોકુફ કરવાની સૂચના ન આપતા અને સીબીએસઈએ પણ મોકુફ ન કરતા બોર્ડ દ્વારા ૧૦મીથી જ પરીક્ષા લેવા માટે તૈયારીઓ શરૃ કરી દેવાઈ છે. બોર્ડ પરીક્ષા માટે બ્લોક-કેન્દ્રો ગોઠવવાથી માંડી હોલ ટીકિટો તૈયાર કરવાની અને પ્રશ્નપત્રોના પેકેજિંગથી લઈને સ્ટિકર સહિતના અનેક દસ્તાવેજાે તૈયાર કરી મોકલવા સહિતની ખૂબ જ મોટી કામગીરી બોર્ડ કરવાની હોવાથી હાલ તમામ તૈયારીઓ શરૃ કરી દેવાઈ છે. પરંતુ જાે એપ્રિલ અંતસુધી કોરોનાની સ્થિતી ન સુધરે અને કેસો આમ જ વધતા રહેશે તો બોર્ડ પરીક્ષા મોકુફ થઈ શકે છે. અન્ય વિકલ્પ રૃપે માત્ર ૧૨ સાયન્સની જ પરીક્ષા મેમાં લેવાય તેવી પણ સંભાવના છે.