ગુજરાત બોર્ડે ધો. 9થી 12નો કોર્સ 30% ઘટાડ્યો
ગુજરાત સરકારે માધ્યમિક શિક્ષણ બોર્ડ હસ્તકના ધોરણ 9થી ધોરણ 12ના અભ્યાસક્રમમાં 30 ટકા ઘટાડો કર્યો છે. કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે સરકારે વિદ્યાર્થીઓને આંશિક રાહત આપતા અભ્યાસક્રમમાં ઘટાડો કરવાનો આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વિદ્યાર્થીઓ કોરોનાના કારણે હાલ સ્કૂલ જઈ શકતા નથી ત્યારે અત્યારસુધી અભ્યાસ ઓનલાઈન ચાલી રહ્યો છે. એટલું જ નહીં, હાલ ચાલી રહેલા ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓને પૂરો કોર્સ ભણાવાશે પણ બોર્ડનું પેપર પૂછાશે માત્ર 70% કોર્સમાંથી, એમ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું છે.
રાજ્ય સરકારે ગુજરાતમાં એક વર્ષ માટે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં 30 ટકા ઘટાડો કર્યો છે. વર્તમાન કોરોનાની સ્થિતિને કારણે માત્ર એક વર્ષ સુધી જ આ નિયમ લાગુ પડશે. એટલું જ નહીં, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ તણાવમુક્ત પરીક્ષા આપી શકશે. જો કે, સ્કૂલો ક્યારે શરૂ થશે તે બાબતે હજી સુધી ગુજરાત સરકારે કોઈ નિર્ણય લીધો નથી પરંતુ કેન્દ્રની એસઓપી મુજબ દિવાળી પછી સ્કૂલ શરૂ કરવા બાબતે નિર્ણય લેવાઈ શકે છે.
ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવ્યો છે ત્યારે ઘટાડેલા અભ્યાસક્રમ પૈકીના મુદ્દાઓને આવરતા પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે નહીં. જો કે તેનું શિક્ષણ શિક્ષકોએ વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાને ધ્યાને આપવું પડશે. જેના કારણે ઘટાડેલા અભ્યાસક્રમથી સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.